Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

વેરા ભરવાની સરળતા કરદાતાઓને પ્રોત્સાહિત કરે છેઃ જે.પી.ગુપ્તા

જી.એસ.ટી તંત્રને વધુ કાર્યક્ષમ, સરળ અને લોકાભિમુખ બનાવાશે : વડોદરાની ચિંતન શિબીરમાં ઇ ગવર્નન્સ, ટેક્ષ ક્રેડિટ, ઇનપુટ અપીલ વગેરેની ચર્ચા

વડોદરા રાજ્ય વેરા વિભાગની ચિંતન શિબીરના ઉદ્ઘાટન પ્રસંગે જે.પી. ગુપ્તા, અશોકકુમાર મહેતા,સમીર વકીલ, ભાવિન પંડયા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ,તા.૧૩:વડોદરા શહેરના ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રિઝના પરિસરમાં રાજયના વેરાકીય વહીવટને સરળ અને સુદ્રઢ બનાવવાના આશયથી રાજયના મુખ્ય વેરા કમિશનર (જીએસટી) શ્રી જે.પી. ગુપ્તાએ ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. આ શિબિરમાં રાજયના સ્ટેટ ટેકસ વિભાગ(જીએસટી) ૧૧ ડિવિજનના વર્ગ-૧ના અધિકારીશ્રીઓ ભાગ લઈ રહ્યા છે. જેઓ ત્રણ દિવસ રાજયના વેરા વિભાગને વધારે કાર્યક્ષમ, સરળ અને લોકાભિમૂખ બનાવવા ઈ-ગવર્નન્સ, નોલેજ મેનેજમેન્ટ, ઈનપુટ ટેકસ ક્રેડિટ, અપીલ, કોમોડીટી એનાલિસસ, એન્ફોર્સમેન્ટ સહિતના ૧૩ મુદ્દે વિચારોનુ આદાન પ્રદાન કરશે.

રાજયના મુખ્ય વેરા કમિશનર (જીએસટી) શ્રી જે.પી. ગુપ્તાએ જણાવ્યું કે,  આ ચિંતન શિબિરના માધ્યમથી વિભાગના અનેકવિધ પ્રશ્નો અને જીએસટી કલેકશન કરવામાં આવતી તકલીફો અંગે સામૂહિક વિચારણા કરવામાં આવશે. પ્રતિભાવોના આધારે દિશા નિર્ધારણ કરવામાં આવશે. એટલે દરેક અધિકારીશ્રીઓ  ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આ ચિંતન શિબિરમાં આપે, તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી.

ટેકસના સિદ્વાંતોની ચર્ચા કરતા શ્રી ગુપ્તાએ જણાવ્યું કે, ટેકસ ચૂકવનારને વ્યવસ્થા સરળ-સગવડભરી નહિ લાગે ત્યાં સુધી તેઓ ટેકસ ભરવા પ્રેરાશે નહિ. ટેકસ ભરવાની પ્રક્રિયા સરળ હોય ત્યારે તેના અમલીકરણમાં પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. સાથે જ તેમણે ટેકસ ચૂકવનારને ટેકસ ભરવામાં કોઈ અણગમો ન થાય તેની કાળજી લેવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમજ કાયદા-નિયમોના અધારે કામગીરી કરવાની થતી હોય ત્યારે તેના અર્થદ્યટનમાં કાળજી રાખવામાં આવે તો લીટીગેશન સહિતના અનેક પ્રશ્નો ટાળી શકાય. આમ, અધિકારીઓ કાયદાકિય જ્ઞાનમાં પાવરધા હોવા દ્યટે.

કેન્દ્રીય જીએસટીના મુખ્ય કમિશનર શ્રી અશોક કુમાર મેહતાએ જીએસટીના અમલીકરણના સંદર્ભમાં  કહ્યું કે, એક વ્યવસ્થામાંથી બીજી વ્યવસ્થાનું અમલીકરણ કરવાનું થાય તેમા પડકારો-અડચણો આવે તે સ્વભાવિક છે. પરંતુ ધીમે ધીમે નવી ટેકસ વ્યવસ્થાનો આપણે સારી રીતે અમલીકરણ કરી શકયા છીએ.તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે  રાજય વેરા સ્પેશ્યિલ કમિશનર શ્રી  સમીર વકીલ, રાજય વેરા વિભાગના એડિશનલ કમિશનર શ્રી ભાવિન પંડ્યા, અને રાજયના અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, મહેસાણા સહિત ૧૧ ડિવિઝનના સંયુકત રાજય વેરા કમિશનર, નાયબ વેરા કમિશનરશ્રીઓ અને સહાયક વેરા કમિશનરશ્રીઓ હાજર રહ્યા હતા.

(1:13 pm IST)