Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

લક્ષચંડી મહાયજ્ઞ માટે ૮૧ ફુટની યજ્ઞશાળાનું નિમાર્ણ

ઉંઝાના આંગણે ઉજવાશે અનોખો ઉત્સવ : વિશ્વભરમાંથી ૫૦ લાખ લોકો ઉમટશે : હેલીકોપ્ટરમાંથી પુષ્પોની વર્ષા થશે, બાલનગરી, ધર્મસભા, સાંસ્કૃતિક કાર્યક્રમો : વિશાળ પાર્કીંગની સુવિધા : યુવાનો, વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, ઉદ્યોગપતિઓ, ખેડૂતો સહિત તમામ વર્ગને આવરી લેતા વિવિધ સેમીનારો યોજાશે : સરકારની યોજનાઓનું માર્ગદર્શન

રાજકોટ, તા. ૧૩: શ્રી ઊમિયા માતાજી સંસ્થાન, ઉંઝાના ઉપક્રમે ૧૮ ડીસેં.થી ૨૨ ડિસેં.૨૦૧૯ દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ અગાઉ ઊંઝા મુકામે ૨૦૦૯ની સાલમાં યોજાઇ ગયેલા મહોત્સવમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંપૂર્ણ સહયોગ સાથે ઉદઘાટન કરી હાજરી આપી હતી. જે સમયે વિશ્વભરમાંથી પપ લાખ લોકો ઉમટી પડયા હતા.

આ સમયે શ્રી નરેન્દ્રભાઇએ રજુ કરેલા અમુક પ્રોજેકટ જેવા કે ''પર ડ્રોપ મોર ક્રોપ'', ખેતીમાં ડ્રીપ ઇરીગેશનનો ઉપયોગ, સેવ ધ ગર્લ ચાઇલ્ડ'' બેટી બચાવો  બેટી પઢાવો, વોટર કન્ઝર્વેશન સહિતના પ્રોજેકટના મીઠા ફળ હાલમાં આપણે માણી રહ્યા છે.

ઉપરોકત ૨૦૦૯ની સાલના મહોત્સવને મળેલી જબ્બર સફળતાને ધ્યાને લઇ આગામી ૧૮ થી ૧૨ ડિંસે. દરમિયાન ફરીથી ઉંઝા મુકામે આયોજન કરાયું છે. જેમાં વિશ્વભરમાંથી ૫૦ લાખ ઉપરાંત લોકો હાજરી આપશે તેવી ધારણાં છે.

આ વખતના મહોત્સવમાં સરકારની જુદી જુદી યોજના ઓ જેવી કે આયુષ્યમાન ભારત, મેઇક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, કિશાન ફસલ યોજના, ડબલીંગ ઓફ ફાર્મર ઇન્કમ, ક્રોપ ઇન્સ્યુરન્સ મુદ્દા બેટી બચાવો, સહિતના વેલ્ફર પ્રોજેકટ વિષે ઉપસ્થિતોને માહિતગાર કરવાનો હેતુ છે.

ઉપરાંત ઇકોનોમિક પ્રોગેસ, એન્વાયરમેન્ટ કન્ઝરવેશન એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ, પબ્લીક હેલ્થ એન્ડ એજ્યુકેશન, વીમેન એન્પાવરમેન્ટ, જલશકિત અભિયાન, કિલન એનર્જી, તેમજ સ્ટાર્ટ અપ દ્વારા ગ્લોબલ નેટવર્કીગ નોલેજ સાથે નવરચના સહિતના પ્રોજેકટના પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. તેમજ ઔદ્યોગિક, વ્યાવસાયિક ઉપરાંત શૈક્ષણકિ પ્રદર્શનો પણ યોજાશે.

આ મહોત્સવમાં યુવાનો, વ્યાવસાયિકો, યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ, તેમજ બિઝનેસ ક્ષેત્રના મિત્રો, સહિતનાઓની અપેક્ષિત ઉપસ્થિતિને ધ્યાને લઇ ''ગ્લોબલ ઇનોવેશન કોકલેવ''નું પણ આયોજન કરાયું છે. જે નવી જનરેશન માટે ઉપયોગી પૂરવાર થશે. જનરેશન માટે ઉપયોગી પૂરવાર થશે. જે ઊમિયા માતાજી સંસ્થાન ઉંઝા તથા ગુજરાત ઇનોવેશેન સોસાયટી (GIS)ના સંયુકત ઉપક્રમે હાથ ધરાશે.

આ અભિયાન વિશ્વ વ્યાપ્ત વ્યાવસાયિકો માટે યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડનારૃં બની રહેશે. જેમાં GIS દ્વારા વિવિધ વિષયો ઉપર સેમિનારનું આયોજન કરાયું છે.

જેને સાકાર કરવા માટે માત્ર ભારત જ નહિં સમગ્ર વિશ્વ વ્યાપ્ત પાટીદાર સમાજ, ગવર્મેન્ટસ, NGO, પ્રાઇવેટ સેકટર, સંશોધકો, ડેવલપમેન્ટ બેન્કસ સહિતનાઓનો સહકાર મળી રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

૧૮ થી ૨૨ ડિસેં.દરમિયાન યોજાનારા આ ભવ્યાતિભવ્ય તથા સૌથી મોટા એવા લક્ષચંડી મહાયજ્ઞ માટે કરાયેલી તૈયારીઓ મુજબ ૨૦ લાખ સ્કવેર મીટરની વિશાળ જગ્યામાં ૮૧ ફુટની યજ્ઞશાળાનું નિર્માણ કરાયું છે જેને ફરતા ૩૫૦૦ લોકો બેસી શકશે.

મહોત્સવની શરૂઆતના ભાગરૂપે ૧ ડિસેં.૨૦૧૯ થી સતત ૧૬ દિવસ સુધી ૧ લાખ ચંડીપાઠ શરૂ કરી દેવાયા છે. જેમાં ૧૧૦૦ બ્રાહ્મણ પંડિતો દ્વારા ૭૦૦ દુર્ગા સપ્તષ્ટી શ્લોકનું પઠન કરાશે.

મહોત્સવમાં હિન્દુઓના ધર્માચાર્ય પૂ.શંકરાચાર્ય હાજરી આપશે. ધર્મસભાઓના આયોજનો થશે. જેમાં દેશના અગ્રણીઓ સહિત ધર્મમય પરિવારો ભાગ લેશે. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. બાળનગરી, બ્રાન્ડેડ ફુડ બુથ્સ,ની સુવિધા ઊભી કરાશે. યજ્ઞશાળા ઉપર હેલિકોપ્ટરમાંથી પુષ્પવૃષ્ટિ કરાશે. વિશાળ પાર્કીગની સુવિધા સાથે ભકતજનો માટે સાત્વિક ભોજની સુવિધા પુરી પડાશે.

પાંચ દિવસિય મહોત્સવ ૧૮ ડિસે.ના રોજ ખુલ્લો મુકાશે ૧૯ થી ૨૧ ડિસે. દરમિયાન દૈનંદિન સવારે વેપાર મંથન એટલે કે 'ચોરો' સેશન યોજાશે. તથા બપોર પછી જ્ઞાન કુટિરનું આયોજન કરાયું છે. ૨૨ ડિસે.ના રોજ યજ્ઞની પૂર્ણાહુતિ થશે.

દૈનંદિન સવારે યોજાનારા વેપાર મંથન એટલે કે ચોરોમાં મહાત્મા ગાંધીના ૧૫૦મા જન્મ જયંતિ વર્ષને અનુલક્ષીને ખેતીવાડી તથા વ્યવસાય ક્ષેત્રે ગાંધીજીના આદર્શો રજુ કરાશે. જેમાં વિદ્વાન માર્ગદર્શનકો દ્વારા સત્યવકતા સત્યકામ, ભારતની સૌપ્રથમ મહિલા ફિલોસોફર ગાર્ગી, તથા આયુર્વેદાચાર્ય ચરકના સિધ્ધાંતો વિષે સમજુતિ  અપાશે જેમાં ૧૯ તારીખે સત્યકામ, ૨૦ મીએ ગાર્ગી તથા ૨૧ તારીખે ચરકના સિધ્ધાંતોની છણાંવટ કરાશે.

બપોર પછીના જ્ઞાન કુટિર સેશનમાં પ્રાચીન ગ્રંથ વેદોના રચયિતા વેદવ્યાસ, તથા રામાયણ મહાભારતના આદર્શો, ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટની શોધો, તેમજ ખેતીવાડી માટે આદર્શ ગણાતાં બલરામ વિષે જાણકારી સાથે માર્ગદર્શન અપાશે. જે અંતર્ગત બપોર પછીના દૈનંદિન સેશનમાં ૧૯ તારીખે વેદવ્યાસ, ૨૦મીએ આર્યભટ્ટ, તથા ૨૧ તારીખે બલરામના સિધ્ધાંતો વિષે માર્ગદર્શન અપાશે.

મહોત્સવ અંગે વિશેષ માહિતી શ્રી તપન મંકોડી +૯૧ ૯૭૧૪૮ ૫૫૧૩૩, અથવા સુશ્રી નિના ક્રિસ્તી +૯૧ ૮૩૪૭૯ ૨૧૬૧૬ દ્વારા અથવા ઇમેલ support@gisindia.org.in  દ્વારા અથવા www.gisindia.org.in દ્વારા મળી શકશે તેવું શ્રી ઊમિયા માતાજી સંસ્થાન ઉંઝાની યાદી દ્વારા જાણવા મળે છે.

(11:52 am IST)