Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

એનિમિયાની અસર ધરાવતી મહિલા પોલીસ કર્મીઓ નથી

શહેરની ૧૬૦૦ મહિલા પોલીસકર્મીની ચકાસણી : પોલીસમાં ફરજ બજાવતી કર્મચારીઓની આરોગ્ય તપાસ

અમદાવાદ, તા. ૧૨ : અમદાવાદ મેડિકલ એસોસીએશન (એએમએ) અને વિમેન ડોક્ટર્સ વિંગ દ્વારા અમદાવાદ મેડિકલ એસોસીએશનની ઓફિસ ખાતે તાજેતરમાં અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં ફરજ બજાવતી ૧૬૦૦ જેટલી મહિલા કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં મહિલા પોલીસ ર્ક્મચારીઓના સ્વાસ્થ્યની સારી અને હકારાત્મક બાબતો સામે આવી હતી. ખાસ કરીને તીવ્ર એનીમીયાની અસર ધરાવતી એકપણ મહિલા પોલીસ કર્મી નહી હોવાનું સ્પષ્ટ થયુ હતું, જેને લઇને મહિલા પોલીસ કર્મચારીઓની સાથે સાથે પોલીસ તંત્રમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. અમદાવાદ પોલીસ તંત્રમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓ માટે ખાસ પ્રકારે અમદાવાદ મેડિકલ એસોસીએશન (એએમએ) અને વિમેન ડોક્ટર્સ વિંગ દ્વારા સ્વાસ્થ્યનાં નિદાનનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.

            જેમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ૧,૬૦૦ મહિલા પોલીસ કર્મચારીઓનાં સ્વાસ્થ્યની વિવિધ ચકાસણી કરવામાં આવી હતી. મહિલા પોલીસ સ્વાસ્થ્ય ઝુંબેશમાં બ્રેસ્ટ સર્જન ડો. શેફાલી દેસાઈએ બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ અંગેની જાણકારી આપી હતી. એએમએના પ્રેસીડેન્ટ ડો. મોના દેસાઈએ પોતાના વક્તવ્યમાં ઓર્ગન ડોનેશન અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ ઝુંબેશમાં તમામ મહિલા પોલીસ કર્મચારીઓનાં સંપૂર્ણ બ્લડ કાઉન્ટની ચકાસણી કરવામાં આવી હતી અને તમામ મહિલા પોલીસને એક માસ સુધીની ફ્રી આયર્ન ટેબલેટ્સ આપવામાં આવી હતી. અમદાવાદ શહેર મહિલા પોલીસનાં કર્મચારીઓનાં સ્વાસ્થ્યનાં ઝુંબેશનાં અહેવાલમાં રસપ્રદ તારણો  સામે આવ્યા હતા કે, તીવ્ર એનેમીયાની અસર ધરાવતા એકપણ મહિલા પોલીસ કર્મચારી નથી.  પાંચ દિવસનાં કેમ્પમાં કુલ ૫૮૦ મહિલા પોલીસ કર્મચારીઓએ ઓર્ગન ડોનેશન પ્રતિજ્ઞા ફોર્મ ભર્યા હતાં. આ સ્વાસ્થ્ય ઝુંબેશ અહેવાલ અનુસાર મોડેરેટ એનેમીયા ધરાવતા મહિલા પોલીસની ટકાવારી ૧૫.૫ ટકા અને માઈલ્ડ એનેમીયાની અસર ૨૧.૫૫ ટકા મહિલા કર્મચારીઓમાં જોવા મળી હતી.

સામાન્ય-સારું સ્વાસ્થ્ય ધરાવતા કર્મચારીઓની ટકાવારી ૫૬.૭૫ ટકાની હતી. મહિલા પોલીસ સ્વાસ્થય ચકાસણી ઝુંબેશને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી આશિષ ભાટિયા, ડેપ્યુટી સીપી નિપુર્ણા તોરવણે અને એસીપી મિની જોસેફનો ખાસ સહકાર સાંપડ્યો હતો. મહિલા પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય સારુ હોવાથી પોલીસ તંત્રમાં પણ ખુશીની લાગણી પ્રસરી હતી.

(9:43 pm IST)