Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ઘોર બેદરકારી : અમદાવાદમાં કોરોના દર્દીને એમ્બ્યુલન્સ માટે ત્રણ કલાક અને દાખલ થવા 10 કલાક રાહ જોવી પડી

મ્યુનિ. કોર્પોરેશનની ઘોર બેદરકારી અને અવ્યવસ્થાનો નાદાર નમૂનો : સિનિયર અધિકારી કે ડોકટરો હોતા નથી અને જુનિયર નિર્ણય લઇ શકતા નથી

 અમદાવાદ શહેરમાં કોરોના દર્દીઓને 108 એમ્બ્યુલન્સ માટે ત્રણ કલાક અને દાખલ થવા માટે 10 કલાક રાહ જોવી પડી રહી છે. આવી કફોડી સ્થિતિ ઉજાગર કરતી માહિતી સપાટી ઉપર આવી છે સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઘોર બેદરકારી અને અવ્યવસ્થાની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે.

ગઈકાલે સોમવારે સાંજે પૂર્વ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં એક શંકાસ્પદ દર્દીને સીટી સ્કેનમાં કોરોનાના લક્ષણો અને ફેફસાંમાં ઇન્ફેક્શન દેખાતું હતું સાથે દર્દીનું ઓક્સિજનનું લેવલ પણ નીચું હતું છતાં આ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે સોમવારે સાંજે ચાર વાગ્યાથી પ્રયત્નો શરૂ કરાયા હતા ત્યારે સોમવારની રાતે ત્રણ વાગે દર્દીને હોસ્પિટલમાં બેડ મળી શક્યો હતો. એલ.જી. હોસ્પિટલના ડોકટરોએ તો માનવતા નેવે મૂકી દર્દીના સીટી સ્કેનમાં કોરોના શંકાસ્પદ લક્ષણો હોવા છતાં RT-PCR રિપોર્ટ ન હોવાથી દર્દીને દાખલ કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો.

એલ જી હોસ્પિટલમાં રાતના સમયે કોઈપણ સિનિયર અધિકારી કે ડોક્ટર હોતા નથી અને જુનિયર ડોક્ટરો દ્વારા કોરોના શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવા અંગેના કોઈપણ પ્રકારના નિર્ણય લેવાતા નથી જેના કારણે દર્દીઓને નાજુક સ્થિતિમાં જીમ જોખમમાં મૂકાય તેવી સ્થિતિ ઉભી થાય છે અને આવા કિસ્સા અવારનવાર બનતા રહે છે છતાં પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોની સ્થિતિમાં કોઇ ફેર પડતો નથી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પીટલ કે અન્ય હોસ્પિટલમાં દર્દીઓને દાખલ થવું હોય તો કોઈ ઉચ્ચ અધિકારીઓની કે પછી કોઈ નેતાની લાગવગ હોય તો જ દર્દીઓને દાખલ કરાય છે. નહીં તો દર્દીઓને સિવિલ હોસ્પિટલ તરફ ધકેલી દેવાઇ આવા આરોપ વારંવાર લાગી રહ્યા છે. આવી જ એક ગંભીર અવ્યવસ્થા ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે.

ગઈકાલે શહેરના કાંકરિયા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય પુરુષને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેથી તેઓ એક ખાનગી હોસ્પિટલ પહોંચ્યા અને કોરોનાનો ટેસ્ટ માટેનું સેમ્પલ આપ્યું હતું સાથે તેમને સિટીસ્કેન કરાવ્યું હતું.જેમાં તેઓના ફેફસાંમાં ગંભીર ઇન્ફેક્શન દેખાતું હતું. સાથે દર્દીનું ઓક્સિજન લેવલ 90થી નીચે આવતું હતું. જેથી તેમને ઓક્સિજનની તકલીફ હોવાનું પણ સામે આવ્યુ હતું. આ દર્દીના સગાઓ રાતે સાંજે ચાર વાગે 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કર્યો હતો પણ વારંવાર ફોન છતાં ત્રણ કલાક સુધી 108નો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો.

પછી દર્દીના સગાઓએ સંપર્કમાં હોય તેટલા તમામ લોકોને દર્દીની હાલત નાજુક હોવાથી પોતાની રીતે ભલામણ કરવા કહ્યું હતું. જેના કારણે રાતે 12 વાગ્યાની આસપાસ 108 એમ્બ્યુલન્સ આવી હતી. આ 108 એમ્બ્યુલન્સ પહેલા દર્દીને સિવિલ હોસ્પિટલ તરફ લઈ ગઈ હતી પણ સિવિલ હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી અને લાંબી કતારો હોવાથી દર્દીને પરત એલજી હોસ્પિટલમાં લવાયા હતા.

એલ.જી.હોસ્પિટલમાં બેડ હોવા છતાં દર્દીને દાખલ કરવાની ના પાડી દેવાઇ હતી કેમ કે દર્દી પાસે કોરોના પોઝિટિવ રિપોર્ટ ન હતો માત્ર તેમની પાસેથી આવા શંકાસ્પદ દર્દીઓને આવી નાજુક સ્થિતિમાં દાખલ કરવાને બદલે દરવાજાથી પાછા વાળવામાં આવ્યા હતા. આ અંગે હાજર તબીબોએ એવો જવાબ આપ્યો હતો કે અહીં કોઈ પણ સિનિયર અધિકારી નથી જેથી આવા દર્દીને દાખલ કરવા અંગે નિર્ણય લઈ શકે. આથી હોસ્પિટલમાં એક કલાક બાદ પણ દર્દીને દાખલ કરાયા ન હતા. દર્દીના સગાઓએ દર્દીને ભારે જહેમત બાદ નજીકની એક હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કર્યા હતા.

આ દર્દીને સાંજે 4 વાગે ઓક્સિજન લેવલ ઓછું હોવા છતાં દાખલ કરવામાં રાતના ત્રણ વાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન દર્દીને કંઈ પણ થઈ ગયું હોત તો તેની જવાબદારી કોની ? આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું તંત્ર જાણે સંવેદના ગુમાવી ચૂકયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

(9:24 pm IST)
  • આજે શેરબજાર ગ્રીન ઝોનમાં ર-૧પ કલાકે સેન્સેકસ ૩૮૧ પોઇન્ટ વધીને ૪૮ર૬૪: નીફટી ૧૦૬ પોઇન્ટ વધીને ૧૪૪૧૭ ઉપર છેઃ બેંક-ઓટો સેકટરના શેર્સ અપઃ આઇટીમાં ભારે વેચવાલી access_time 3:38 pm IST

  • રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાંથી અમુક સ્થાને રેમડેસીવીર ઈન્વજેકશન અંગે ફરીયાદો આવતા અને બારોબાર વ્હેંચી નાખતાની રાવ ઉઠતા કલેકટર આજ સવારથી તમામ હોસ્પિટલમાં તૂટી પડ્યા : દરોડાનો દોર : ક્રોસ ચેકીંગ કરી સાંજ સુધીમાં રીપોર્ટ કરવા આદેશો access_time 12:11 pm IST

  • કેન્‍દ્રના કેબીનેટ મંત્રી સંતોષ ગંગવાર તથા ભાજપના અગ્રીમ હરોળના નેતા અનિલ બલૂની કોરોના પોઝીટીવમાં સપડાયા છે access_time 1:11 pm IST