Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

શહેરમાં કોરોનાના ગંભીર દર્દી માટે હોસ્પિટલમાં જગ્યા નથી

કોરોના કાળમાં કથળેલી આરોગ્ય વ્યવસ્થાની પોલ ખૂલી : વેન્ટિલેટર વિનાના કુલ ૮૪૫ બેડમાંથી ૮૨૬ ભરાયા, વેન્ટિલેટર સાથેના ૪૦૦ આઈસીયુ બેડમાંથી ૩૯૧ ફુલ

અમદાવાદ, તા. ૧૬ : કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે હોસ્પિટલમાં એડમિટ થવા માટે લોકોને આમથી તેમ ધક્કા ખાવા પડી રહ્યા છે. તાજા આંકડા અનુસાર, અમદાવાદમાં જ હાલની સ્થિતિએ વેન્ટિલેટર વિનાના કુલ ૮૪૫ આઈસીયુ બેડમાંથી ૮૨૬ ભરાઈ ચૂક્યા છે, અને માત્ર ૧૯ જ ખાલી રહ્યા છે. તે જ રીતે વેન્ટિલેટર સાથેના ૪૦૦ આઈસીયુ બેડમાંથી ૩૯૧ ફુલ છે, અને માત્ર ૯ જ બેડ ખાલી છે. આમ, અતિગંભીર દર્દીઓ માટેના ૯૮ ટકા બેડ ફુલ થઈ ગયા છે. આ આંકડા ૧૩ એપ્રિલ, સવારે ૯.૩૦ વાગ્યાની સ્થિતિ અનુસાર પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડના છે.

અમદાવાદની વિવિધ પ્રાઈવેટ હોસ્પિટલોમાં કુલ ૫,૭૯૪ બેડ કોરોનાના પેશન્ટ માટે ઉપલબ્ધ છે. જેમાંથી ૫૩૨૭ બેડ હાલ ફુલ થઈ ચૂક્યા છે, જ્યારે ખાલી બેડની સંખ્યા માત્ર ૪૬૭ રહી છે. આઈસોલેશન વોર્ડમાં કુલ ૨૩૧૮ બેડ ઉપલબ્ધ છે, જેમાંથી ૮૮ ટકા બેડ ભરાઈ ગયા છે અને હાલ માત્ર ૨૮૦ ઉપલબ્ધ છે. જ્યારે એચડીયુ બેડની સંખ્યા ૨૨૩૧ છે, જેમાંથી ૨૦૭૨ ભરાઈ ગયા છે અને ૧૫૯ ખાલી છે.

આમ, અમદાવાદમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ કુલ ૫૭૯૪ બેડમાંથી માત્ર ૮ ટકા જ બેડ ખાલી છે. જોકે, ક્રિટિકલ દર્દીઓ માટે ઉપલબ્ધ બેડમાં તો હાલ માત્ર બે ટકા જ ખાલી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ડેઈલી એક હજારની આસપાક કેસો આવી રહ્યા છે. આ ઉપરાંત, ક્રિટિકલ દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી હોવાથી દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ થવા માટે વલખા મારવા પડી રહ્યા છે. ઘણી નામાંકિત પ્રાઈવેટ હોસ્પિટલોમાં તો એડવાન્સ રુપિયા ભર્યા બાદ પણ બેડ ના મળી રહ્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં પણ હાલ હાલત ખૂબ જ ગંભીર છે. સિવિલ હોસ્પિટલની બહાર મોડી રાત્રે પણ દર્દીઓને લઈને આવેલી એમ્બ્યુલન્સોની લાંબી-લાંબી લાઈનોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તંત્ર દ્વારા બેડ વધારવામાં આવે તે સાથે જ તે થોડા જ સમયમાં ભરાઈ રહ્યા છે. હોસ્પિટલ શોધવામાં પડતી તકલીફ ઓછી હોય તેમ તબિયત વધુ લથડી હોય તેવા દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શન માટે પણ દર્દીઓના સગાંને કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડી રહ્યું છે.

હાલ સરકારી હોસ્પિટલોની સ્થિતિ એવી છે કે, અહીં દર્દીઓને એડમિટ કરવા માટે તો લાઈનો છે જ, પરંતુ તેની સાથે જે દર્દીના મોત થયા છે તેમની ડેડબોડી જરુરી પ્રોસેસ પૂરી કર્યા બાદ તેમના સગાંને સોંપવા માટે પણ કલાકોનું વેઈટિંગ ચાલી રહ્યું છે. બોડી મળી ગયા બાદ તેને એમ્બ્યુલન્સમાં સ્મશાન સુધી પહોંચાડવામાં પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે, સ્મશાનમાં પહોંચ્યા બાદ પણ વેઈટિંગ પૂરું નથી થતું, કારણકે અહીં પણ મૃતદેહોની લાઈનો લાગી હોવાથી અંતિમ સંસ્કાર માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે.

(7:38 pm IST)