Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સુરતમાં કાળમુખા કોરોનાએ મોતનું તાંડવ કરતા સ્મશાનની ચીમની પણ પીગળી ગઈ

ચિતાની લોખંડની ગ્રિલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ

સુરતમાં કોરોનાના કેરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં અંતિમસંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રિલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ છે આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાનગૃહ છે, જેમાં રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્મશાનમાં 24 કલાક મૃતદેહોની અંતિમક્રિયા કરાઈ રહી છે. અહીં છેલ્લા દસેક દિવસથી સરકારી શબવાહિનીઓ તેમજ ખાનગી વાહનોમાં પણ સતત મૃતદેહો લવાઈ રહ્યા છે.

 સુરતમાં સોમવારે પણ 18 લોકોનાં મોત થયાં છે.સુરતમાં કોરોનાના કહેર વચ્ચે મોતનું તાંડવ થઈ રહ્યો છે. દરેક સ્મશાનગૃહમાં મૃતકની અંતિમવિધિ માટે કલાકો સુધી પરિવારજનોએ લાઈન લગાવી વેઈટિંગ કરવા મજબૂર બન્યા છે. સુરતની આવી ભયાનક સ્થિતિને કારણે શહેરમાં 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એકસાથે 50 મૃતદેહનો અંતિમસંસ્કાર થાય એવું આયોજન કરવામાં આવ્યું છે.

 સુરત મહાનગરપાલિકાના એક અધિકારીએ નામ ન લખવાની શરતે કહ્યું હતું કે 24 કલાકમાં ટ્રસ્ટી અને સેવાભાવી લોકોએ સ્મશાન શરૂ કરી માનવતાનું ઉદાહરણ બની ગયા છે. પાલના આ સ્મશાનમાં માત્ર કોવિડના મૃતકોની અંતિમવિધિ કરવામાં આવશે. ગઈકાલે રાત્રે 15 મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી હતી અને એક સાથે 50 મૃતદેહનો અંતિમસંસ્કાર થાય એવું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં છેલ્લાં 14 વર્ષથી પાલ એક્વેરિયમની પાછળના ભાગે તાપી નદીના કિનારે આવેલી કૈલાસ મોક્ષધામને શરૂ કરવામાં આવ્યું હતું અને અહીં 50થી વધુ કોવિડના મૃતદેહની અંતિમક્રિયા કરવામાં આવશે. સુરતમાં ત્રણ સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે ટોકન આપવા છતાં મૃતદેહનો ઢગલો થઈ રહ્યો છે અને વેઈટિંગ છે, જેના કારણે સુરતની 14 વર્ષથી બંધ પડેલી સ્મશાનભૂમિને શરૂ કરી એમાં અંતિમસંસ્કાર પણ શરૂ કરવામાં આવ્યા એ જ સુરતની ભયાનકતાનો ચિતાર આપે છે

(11:43 am IST)