Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જેન્તી ભાનુશાલી હત્યા કેસઃ અબડાસા ભાજપ અગ્રણી જેન્તી ઠકકરના રિમાન્ડની તજવીજ

 ભુજ, તા.૧૨:  ભાજપ નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં સીટ દ્વારા વધુ એક ધરપકડ કરાઈ છે. કચ્છના અબડાસાના જાણીતા રાજકીય આગેવાન અને ભાજપના નેતા એવા જેન્તી ઠકકર ઉર્ફે જેન્તી ડુમરા ની ધરપકડ કરાઈ છે. આ કેસમાં અત્યાર સુધી ૭ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની મુખ્ય કાવતરાખોર તરીકે ધરપકડ કરાયા પછી બીજી કંઈ પણ નવાજુની થશે એવી વાતો પણ ચર્ચાતી રહેતી હતી. તો, ૮ જાન્યુઆરીના ૨૦૧૯ ના જેન્તીભાઈની હત્યા થઈ તેને હવે ૯૦ દિવસ થવામાં હોઈ, ચાર્જશીટ રજૂ કરવા સમયે પોલીસ નવો ધડાકો કરશે એવી પણ વાતો ચર્ચામાં હતી. તે વચ્ચે તપાસનીશ સીટની પોલીસ ટીમ દ્વારા ગઈકાલે સાંજે ૫ વાગ્યે જેન્તી ઠકકર ડુમરાવાળાની ધરપકડ કરાઈ છે. શાર્પ શૂટરોને પાંચ લાખ રૂપિયા કોણે આપ્યા એ અંગે છબીલ પટેલે પોતે કંઈ જાણતા ન હોવાનું કહ્યું હતું. તો, શાર્પ શૂટરોને નવી મુંબઈના ઇનોરબીટ મોલમાં નાણાં કોણે આપ્યા એ અંગે પોલીસ તપાસ સતત ચાલુ હતી. જોકે, સૂત્રો ના જણાવ્યા પ્રમાણે જેન્તી ઠકકર ડુમરાવાળા દ્વારા શાર્પ શૂટરોને પાંચ લાખ રૂપિયા અપાયા હોવાનું સીટની પોલીસ ટીમ માની રહી છે. આ અંગે છબીલ પટેલની પૂછપરછ તેમ જ કોલ ડિટેઇલ્સ દરમ્યાન સીટની ટીમને જાણવા મળ્યું હતું કે, જેન્તી ડુમરા અને છબીલ પટેલ સંપર્કમાં છે. તે બન્ને જણા મનીષા ગોસ્વામી તેમ જ સુજીત ભાઉ સાથે પણ કોન્ટેકટ માં હતા. છબીલ, મનીષા, જેન્તી ડુમરા અને સુજીતે સાથે મળીને જેન્તી ભાનુશાલીની હત્યા માટે પૂના ના ગેંગસ્ટરો વિશાલ કામ્બલે તેમ જ નિખિલ થોરાટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ શશીકાંત કામ્બલે અને અશરફ શેખને જેન્તી ભાનુશાલીની હત્યાની સોપારી અપાઈ હતી. જેન્તી ડુમરાના બેંક એકાઉન્ટ માંથી રૂપિયા પાંચ લાખની લેવડદેવડના પુરાવાઓ પોલીસને મળ્યા છે. આ પાંચ લાખ રૂપિયા શાર્પ શૂટરોને અપાયા હતા. દરમ્યાન મૃતક જેન્તી ભાનુશાલીની વિરુદ્ઘ સુરતની યુવતી દ્વારા દુષ્કર્મની જે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને બન્નેનીઙ્ગ સીડીઓ સોશ્યલ મીડીયા ઉપર વાયરલ થઈ તેમાં પણ જેન્તી ઠકકર ડુમરાવાળાની ભૂમિકા હોઈ શકે છે. એવું પોલીસ માની રહી છે. કચ્છ ભાજપના અબડાસા ના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રહી ચૂકેલા જેન્તી ડુમરાવાળાનીઙ્ગ ધરપકડના સમાચારે કચ્છમાં ચકચાર સર્જી છે. આજે સીટની ટીમ દ્વારા જેન્તી ઠકકર 'ડુમરા' ને ભચાઉ કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે પોલીસ જેન્તી ડુમરાના રિમાન્ડની માંગણી કરશે.

(4:22 pm IST)