Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો પર પ્રવેશબંધી

વાહનોના પ્રદુષણથી થતા વ્યાપક નુકશાનને લઇને નિર્ણંય

સાબરકાંઠાના પોળોના જંગલમાં વાહનોના પ્રદુષણથી થતા વ્યાપક નુકશાનને લઇને સાબરકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ સીજે પટેલે પ્રતિબંધક આદેશ જાહેર કર્યા છે. જે અંતર્ગત વિજયનગર તાલુકાના પ્રવાસન સ્થળ પોળો ફોરેસ્ટ ખાતે ટુ વ્હીલર સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.

 પોળો ફોરેસ્ટ ખાતે શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવાના પગલા લેવાના ભાગરૂપે પોલ્યુશન ફ્રી ઇકો ટુરીઝમ માટે ટુ-વ્હીલર સીવાયના તમામ ભારે વાહનો ફોરેસ્ટ નાકાની બહાર પાર્ક કરવા આદેશ કરવામાં આવ્યો છે. શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી ગાજીપીરની દરગાહ સુધીના રોડ ઉપર મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારે વાહનોને અભાપુરના રહિશ ભરતગીરી ગુરૂઆત્માનંદગીરીના માલિકીના સ.નં.૬૬માં પાર્કીગ માટે જણાવવામાં આવ્યું છે.

ઉપર્યુક્ત પ્રતિબંધ સ્થાનિક રહિશોના પોતાના માલિકીના વાહનો તેમજ સરકારીવાહનો/સરકારી કામે રોકાયેલા વાહનો, આકસ્મિક સંજોગોને પહોચી વળવા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે એમ્બુલન્સ, અગ્નિશામક વાહન વિગેરેને લાગુ પડશે નહી. આ જાહેરનામુ ૦૯ જાન્યુઆરી ૨૦૨૧ સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ની કલમ ૧૮૮ મુજબ દંડને પાત્ર થશે

(6:41 pm IST)