Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સુરતના કતારગામમાં વેપારીને આપઘાત કરવા મજબુર કરનાર કારખાનેદાર વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ

સુરત: શહેરના કતારગામ આંબાતલાવડી વિસ્તારમાં રહેતા વેપારીએ 12 દિવસ અગાઉ વેડરોડ ગુરુકુળ કશ્યપ ફાર્મ પાસે જાહેરમાં અનાજમાં નાંખવાની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરી હતી. વેપારીને સરથાણાના એમ્બ્રોઇડરીના કારખાનેદાર જોબવર્કના પૈસા નહીં આપે તો વતનની જમીન પચાવી પાડવાની ધમકી આપતા હોવાથી આ પગલું ભર્યું હોય છેવટે સિંગણપોર પોલીસે કારખાનેદાર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં કતારગામ આંબાતલાવડી લક્ષ્મીકાંત આશ્રમ રોડ લક્ષ્મીકાંત સોસાયટી ઘર નં.207 માં રહેતા અને કાપડનો વેપાર કરતા 48 વર્ષીય પોપટભાઈ ભગવાનભાઈ ગાબાણીએ ગત 29 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે વેડ રોડ ગુરૃકુળ કશ્યપ ફાર્મની સામે બસ સ્ટોપ પાસે જાહેરમાં અનાજમાં નાખાવાની ગોળીઓ પી લેતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે, બીજા દિવસે મળસ્કે તેમનું મોત નીપજ્યું હતું. પોપટભાઈ પાસે એમ્બ્રોઇડરીના કારખાનેદાર જીતુભાઈ ભીખાભાઈ વસાણી ( રહે.61, શુભમનગર સોસાયટી, સરથાણા, સુરત ) જોબવર્કના બાકી પૈસાની માંગણી કરતા હતા. જયારે પણ તેમની મુલાકાત થાય ત્યારે જીતુભાઈ પૈસાની માંગણી કરી જો પૈસા નહીં આપે તો વતનની જમીન પચાવી પાડવાની ધમકી આપતા હોવાથી પોપટભાઈએ તેના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી.

(5:30 pm IST)