Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

૯૩ વર્ષના પૂ.હરિપ્રકાશ સ્વામીએ કોરોનાને હંફાવ્યો

એસજીવીપી હોસ્પિટલમાં ૧૯ દિવસની સારવાર બાદ કોરોના મુકત થયા : ઓકિસજન ઉપર રાખવામાં આવ્યા હતા, ઝડપી રિકવરી થતાં તબીબો પણ આશ્ચર્યચકીતઃ સ્વામીજીની સારવાર માટે પૂ.માધવપ્રિયદાસજી દ્વારા ઉત્તમ વ્યવસ્થા

અમદાવાદઃ ગાંધીનગર ખાતે ઈ.સ. ૧૯૭૨થી શિક્ષણ ક્ષેત્રે સેવા કરતાં, સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સંત શાસ્ત્રીજીશ્રી હરિપ્રકાશ સ્વામીજીએ ૯૩ વર્ષની વયે કોરોનાને મહાત આપી છે. તેઓને એસ.જી.હાઈવે પર આવેલી એસ.જી.વી.પી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં ૧૯ દિવસની સારવાર બાદ તેઓ કોરોનામુકત થયા છે.

શાસ્ત્રીજી હરિપ્રકાશ સ્વામીજીને શરૂઆતમાં તાવ-ખાંસીના લક્ષણો જણાઇ આવ્યા હતાં. જેથી આરોગ્યની તકેદારીને લક્ષમાં લઇ તા.૨૧ ઓકટોબરના રોજ ટેસ્ટ કરાતાં સ્વામીજીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓને એસ.જી.હાઈવે પર આવેલી એસ.જી.વી.પી. હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં. સ્વામીજીના ઉંમર ૯૩ વર્ષની હોવાથી તેમને બે-ત્રણ દિવસ શ્વાસ લેવામાં તકલીફ જણાતાં હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા તેમને ઓકિસજન પર રખાયા આવ્યા હતા.

દરમિયાન ૪ દિવસમાં તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી રિકવરી જોવા મળી હતી. ડોકટર દ્વારા આશ્ચર્ય વ્યકત કરવામાં આવ્યું હતું કે ૯૩ વર્ષની વયે કોરોના સામે સ્વામીજીના સ્વાસ્થ્યની રિકવરી ખૂબ જ સારી રીતે થઇ રહી છે. સ્વામીજીનો વિલ પાવર એટલો મજબૂત હતો કે તેના લીધે તેઓ કોરોનાને મહાત આપી શકયા છે.

સ્વામી માધવપ્રિયદાસજી દ્વારા શાસ્ત્રી સ્વામીજીની સારવાર માટે હોસ્પિટલમાં ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે તા. ૯ નવેમ્બરના રોજ સ્વામીજી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી પરત ફર્યા હતાં.

અમદાવાદ દેશ ગાદીનાં મોટા મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજે સ્વામીજીને ફોન કરીને તેમના સ્વાસ્થ્ય માટે નરનારાયણ દેવને પ્રાર્થના કરી શુભેચ્છા પાઠવી હતી.

(12:42 pm IST)