Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

SGVP ગુરુકુલમાં સામૂહિક રોગ મુક્તિ માટે ઓનલાઇન ધનવન્તરી પૂજન અને યજ્ઞ યોજાશે.

અમદાવાદ તા. 11  વિષ્ણુપુરાણમાં કથા છે કે, એકવાર દુર્વાસા મુનિ વૈંકુઠલોકમાંથી સ્વર્ગમાં આવી રહ્યા હતા. ત્યાં રસ્તામાં તેમણે ઐરાવત હાથી ઉપર આરુઢ થયેલા દેવરાજ ઇન્દ્રને જોયા.

    દેવરાજ ઇન્દ્રને ત્રિલોકના અધિપતિ જાણીને પોતાને મળેલી કમળની માળા ભગવાનના પ્રસાદ રુપ જાણીને દુર્વાસા મુનિએ ઇન્દ્રને આપી, પણ ઇન્દ્રએ ઐશ્વર્યના મદને કારણે તેનો કશો આદર કર્યો નહીં ને તે માળા ઇન્દ્રે ઐરાવત હાથીના ગંડસ્થળ ઉપર ફેંકી દીધી. ઐરાવતે તે માળાને સૂંઢમાં લઇને પગ તળે કચરી નાંખી.

દુર્વાસાને આ ગમ્યું નહીં ને ખીજાઇને ઇન્દ્રને શાપ આપ્યો કે, ‘મદાન્ધ થયેલ ઇન્દ્ર તું મારું અપમાન કરે છે તે માટે તારી ત્રિલોકની સંપત્તિ સમુદ્રમાં પડો.

    આ રીતે સ્વર્ગની તમામ સંપત્તિ સમુદ્રમાં ગરકાવ થઇ ગઇ. ત્રિલોકમા હાહાકાર થઇ ગયો વરસાદ બંધ થયો. પછી દુખી થયેલા તમામ દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા ને વિનંતી કરી. પછી દેવો અને દાનવોના સહકારથી સમુદ્રમંથન થયું. દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે જે ચૌદ રત્નો સમુદ્રમાંથી નીકળ્યા તેમાંના એક લક્ષ્મીજી અને બીજા ધનવન્તરી ભગવાન હતા.

    લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. જ્યારે ભગવાન ધનવન્તરીને સ્વાસ્થ્યના દેવ માનવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે ભગવાન ધનવન્તરીનું પૂજન કરવામાં આવે છે.

    આ પાવનકારી ધનતેરસના દિવસે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના આશીર્વાદ સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના આંગણે  વિશાળ યજ્ઞશાળામાં સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોના પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઓનલાઇન ધનવન્તરી પૂજન અને યજ્ઞ આગામી તા. ૧૩ નવેમ્બર ધનતેરસના દિને સાંજે પ કલાકે   યોજાશે.

    આ ધનવન્તરી યજ્ઞમાં જુદી જુદી ઔષધિઓ, ઘી, જવ, તલ, એલચી, જટામાસી, નગર, સુગંધી વાળો, ચંદન, ગુગળ, કપુર તેમજ અન્ય ઔષધિઓની આહુતિ આપવામાં આવશે. આ ધનવન્તરી યજ્ઞનો ધુમાડો ચિકનગુનિયા, ઔરી, અછબડા, વાયરલ, ફિવર, શરદી, ઉધરસ જેવી બિમારીઓ સામે પ્રતિકાર કરી શકે છે. તેમજ યજ્ઞમાં બોલાતા વૈદિક મંત્રોચ્ચારના આંદોલનના પ્રભાવથી મનની નિર્બળતા, હતાશા વગેરે દૂર થાય છે અને મનમાં શાંતિ થાય છે.

    આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ઔષધિઓનો, નક્ષત્રો અને દેવતાઓ સાથે સુક્ષ્મ અને દિવ્ય સંબંધ છે. ચંદ્રના પ્રભાવમાં વનસ્પતિઓમાં ઔષધીઓમાં રસનું પોષણ થાય છે, શાસ્ત્રોની આ વાત હવે આધુનિક વિજ્ઞાન પણ પ્રયોગોના આધારે સ્વીકારે છે.

    ધનતેરસનો દિવસ એટલે ધન શુદ્ધિનો દિવસ છે. પ્રાપ્ત થયેલી સંપત્તિનો સારા કામમાં ઉપયોગ થાય એજ લક્ષ્મીજીની સાચી પૂજા છે.

    આ ધનવંતરી યજ્ઞમાં SGVP હોલિસ્ટીક હોસ્પિટલના ૩૦ ઉપરાંત વૈદ્યો ડોક્ટરો અને ચિકિત્સકો જોડાશે.

આ ઓન લાઇન ધનવન્તરી પૂજન અને યજ્ઞમાં અમદાવાદના ૯૦૦ ઉપરાંત વૈદ્યો-ડોકટર્સ, આયુર્વેદ કન્સલ્ટન્ટસ, યોગ કન્સલ્ટન્ટસ તથા અન્ય સુજ્ઞ જનો જોડાશે.

(12:14 pm IST)