Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

હોસ્પિટલમાંથી સીધા ઓફીસે પહોંચી ફરજ સંભાળતા અમદાવાદ પોલીસ કમિશ્નર

દિપોત્સવી જેવા તહેવારોએ મારા અધિકારીઓ અને સ્ટાફ સતત કાર્યરત હોય ત્યારે હું ઘરે આરામ કઇ રીતે કરી શકું? અકિલા સાથે સંજય શ્રીવાસ્તવની વાતચીતઃ લો એન્ડ ઓર્ડરના વડા નરસિંમ્હા કોમારે પણ કોરોનાને મ્હાત આપી : ઘેર આરામના બદલે સ્ટાફને સતત માર્ગદર્શન આપે છે

રાજકોટ, તા., ૧૧: અમદાવાદમાં સિનીયર-જુનીયર કક્ષાના આઇપીએસ અધિકારીઓ સહિત પ૧ જેટલા પોલીસ સ્ટાફ સંક્રમીત થવાના પગલે અમદાવાદના  પોલીસ કમિશ્નર અને રાજકોટના ભુતપુર્વ  પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવને શ્વાસ લેવામાં તકલીફ સાથે ચિકન ગુનીયાની સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કર્યા બાદ તેઓ દિપોત્સવી તહેવારો અને બંદોબસ્તની મહત્વની જવાબદારીઓ ધ્યાને લઇ થોડા સ્વસ્થ થયા બાદ ગઇકાલે જ પોલીસ કમિશ્નર તરીકેની ફરજ સંભાળી લીધી છે.

અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે દિપોત્સવી જેવો મોટો બંદોબસ્ત હોય અને સમગ્ર અધિકારીઓ તથા સ્ટાફ પોતાની ફરજ સતત બજાવતો હોય ત્યારે હું ઘેર રહી આરામ કઇ રીતે કરી શકું? તેઓએ જણાવેલ કે અમદાવાદમાં ઉગ્રવાદી ગતિવિધિઓથી  લઇ શહેરની ગુન્હાખોરી પર સંપુર્ણ કંટ્રોલ  રહે તે માટેનું આયોજન ગોઠવ્યું છે.

અમદાવાદમાં કોરોનાએ ફરીથી પોતાની માયાજાળ પ્રસરાવતા લોકોને ઘેર રાખવા સાથે સલામત રહે તે માટે રાત-દિવસ ફરજ બજાવતા પોલીસ સ્ટાફ માટે સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવ્યા છે. નિયમીત રીતે કોરોના ટેસ્ટ કરી તેઓની સમયસર સારવાર થાય તે માટેનું આયોજન ગોઠવાયું છે. આ કાર્યમાં જોઇન્ટ પોલીસ કમિશ્નર (એડમન) અજય ચૌધરી સહીતના તમામ ઉચ્ચ અધિકારીઓ તથા ડીસીપીઓ વચ્ચે સંકલન જળવાઇ તેવી રણનીતી પણ તૈયાર કરી છે.

દરમિયાન રાજયના લો એન્ડ ઓર્ડરના  વડા નરસિંમ્હા કોમારે પણ કોરોનાને મ્હાત આપી છે. તેઓ પણ હોમ કોરોન્ટાઇન થયા હતા. તેઓની તબિયત પણ ધીરે-ધીરે રિકવર થતી જાય છે. તેઓને પણ સંપુર્ણ આરામની સલાહ આપવામાં આવી છે. આમ છતા તેઓ  ઘેર રહી આરામ કરવાના બદલે ઘેરથી જ ઓફીસના મહત્વના કાર્યો અંગે માર્ગદર્શન આપી રહયા છે. સ્વચ્છ છબી ધરાવતા નરસિંમ્હા કોમારની ગણના રાજયના ખુબ જ મહેનતુ અધિકારીમાં થાય છે.

(11:59 am IST)