Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કરજણ સેવા સદનનો ઓપરેટર ૨૪૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો : સ્ટેમ્પની શોર્ટેજનો લાભ લઇ ઓપરેટરે લાંચ માંગી

પૈસા આપ્યા વિના કોઇ કામગીરી થતી નથી: લોકોનો આક્ષેપ

વડોદરા જિલ્લાના કરજણ સેવા સદન ખાતે સબ રજિસ્ટ્રારની કચેરીમાં હંગામી કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા નકુલ પરમારને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા 2400ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ મુક્યો છે કે, કરજણ સેવા સદનમાં પૈસા આપ્યા વિના કોઇ કામગીરી થતી નથી.

 કરજણ સેવા સદનમાં સબ રજિસ્ટ્રારની ઓફિસમાં દસ્તાવેજના કામ માટે અણસ્તુ ગામના દિનેશભાઇ પટેલ આવ્યા હતા. દસ્તાવેજ ઉપર ટિકીટો લગાવવાની હતી. આથી તેઓએ ટિકીટો મેળવવા માટે હંગામી કમ્પ્યુટર ઓપરેટરને મળ્યા હતા. તેઓએ ટિકીટ માટે રૂપિયા 2400ની માંગણી કરી હતી. દિનેશભાઇ લાંચની રકમ આપવા માંગતા ન હતા. આથી તેઓએ વડોદરા એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે એ.સી.બી.એ. છટકુ ગોઠવી કમ્પ્યુટર ઓપરેટર નકુલ પરમારને ફરિયાદી પાસેથી રૂપિયા 2400ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

(9:55 pm IST)