Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

યુગાન્ડામાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી પરિષદમાં ગુજરાતના વિકાસ પર પ્રકાશ પાથરતા રાજેન્દ્ર ત્રિવેદી

વિધાનસભાના અધ્યક્ષની પ્રવાસી ટીમમાં શૈલેષ પરમાર અને વિવેક પટેલ જોડાયા

પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશમાં યોજાયેલ ૬૪મી વર્લ્ડ કોમનવેલ્થ પાર્લામેન્ટરી એશો.ની પરિષદમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા અમદાવાદના ધારાસભ્ય શૈલેષ પરમાર અને સુરતના ધારાસભ્ય વિવેક પટેલે ભાગ લીધેલ તે પ્રસંગની તસ્વીર.(૧.૨૩)

રાજકોટ તા.૧૧: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ યુગાન્ડા ખાતે તા.૨૪મીથી તા.૨૮ સપ્ટેમ્બર-૨૦૧૯ દરમિયાન યોજાયેલ ૬૪મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસીએશની પરિષદમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે હાજરી આપેલ હતી. અધ્યક્ષની ટીમમાં ધારાસભ્ય શૈલેષભાઇ પરમાર અને વિવેકભાઇ પટેલ પણ જોડાયા હતા. આ પરિષદમાં કોમનવેલ્થના ૬૫ દેશોના ૧૭૫ બ્રાન્ચના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

પાર્લામેન્ટને લગતા બે વિષયો પરની ચર્ચા દરમિયાન મંચ ઉપરના ત્રણ પેનલ મેમ્બર કે જેમાં બે વિદેશી મેમ્બર હતાં અને ભારતમાંથી એક માત્ર મેમ્બર તરીકે અધ્યક્ષશ્રીને સભા સમક્ષ વિષય પ્રથમ મુકવાની અને ચર્ચાની શરૂઆત કરવાની તક સાંપડી હતી. તેમણે ચર્ચા દરમિયાન અનેક પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. આ પરિષદમાં વિવિધ દેશોના પાર્લામેન્ટ/વિધાનસભાના સ્પીકરો અને સભ્ય ગૃહમાં હાજર રહી પ્રશ્નોત્તરી કરી હતી.

શ્રી રાજેન્દ્ર ત્રિવેદીને કંપબેટીંગ રેપીડ અર્બનાઇઝેશન એન્ડ રૂરલ ડીકલાઇનએ વિષય ઉપર પોતાના વિચારો વ્યકત કરવાનો સૌથી વધુ સમય મોડરેટરે આપ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીજીએ લીધેલા પગલાં અને ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આરંભ કરેલા કુલ ૨૦ મહત્વના કાર્યક્રમો જેવા કે મનરેગા, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઓ.ડી.એફ., ૩૬ કરોડ નવા બેંક એકાઉન્ટ, ઉજ્જવલા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ વિગેરે વિષે સભામાં હાજર રહેલા વિદેશના સભ્યો સમક્ષ પ્રકાશ પાડ્યો હતો, ત્યારે સભ્યોએ આ વિગતોને પાટલી થપથપાવી વધાવી હતી. વિધાનસભાના અધ્યક્ષે લોકસભાના અધ્યક્ષશ્રી ઓમ બિરલાજી, ઉત્તર પ્રદેશના અધ્યક્ષશ્રી હૃદય નારાયણ દિક્ષીતજી અને અલગ-અલગ રાજ્યોના અધ્યક્ષો સાથે ચર્ચા-વિચારણા કરી વિચાર વિમર્શ પણ કર્યો હતો.

વધુમાં, યુગાન્ડા ખાતે માન.અધ્યક્ષશ્રીનું ગુજરાતી સમાજ દ્વારા ખૂબ જ ભવ્ય સ્વાગત થયેલું હતું અને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કર્યુ હતું. માન.અધ્યક્ષશ્રી યુગાન્ડા ખાતે ભારતીય સમુદાયનાં લોકોને મળ્યા હતા.

અધ્યક્ષે રાત્રિ બિફોર નવરાત્રિ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

(3:44 pm IST)