Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વિજાપુરમાં આંગડિયા પેઢીમાં 25 લાખની લૂંટ મામલે બે પોલીસકર્મીઓની ધરપકડ :પોલીસબેડામાં ચકચાર

સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોંકાવનારા તથ્યો પોલીસને હાથ લાગ્યા

મહેસાણામાં તાજેતરમાં થયેલી આંગડિયા પેઢીમાં લૂંટનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે સમગ્ર પ્રકરણમાં બે પોલીસકર્મીની સંડોવણી સામે આવતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ કરી છે.

   આ અંગેની વિગત મુજબ ગત  8 જુલાઇના રોજ વિજાપુરમાં કોલવડા પાસે રાજેશ મગન પટેલ આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવવામાં આવી હતી. આરોપીઓએ રૂપિયા 25 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા. બાદમાં મહેસાણા પોલીસે તપાસ હાથ ધરી હતી.
  સૌપ્રથમ પોલીસે મહત્વના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, બાદમાં ચોંકાવનારા તથ્યો પોલીસને હાથ લાગ્યા હતા. લૂંટની ઘટનામાં બે પોલીસકર્મીની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આ બંને પોલીસકર્મીમાં એક DySP કચેરીનો ડ્રાઇવર અને એક કમાન્ડો હોવાનું બહાર આવ્યું છે. આ બંને સહિત અત્યારસુધીમાં પોલીસે 7 આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.
   પોલીસે હાલ ફરાર આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે આરોપી પોલીસકર્મી સામે ખાતાકીય તજવીજ કરીને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી છે

.

(10:08 pm IST)