Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અમિત જેઠવા કેસમાં ઘટનાક્રમ.....

અમિત જેઠવાએ સલમાનખાન-આમિરખાન સામે ફરિયાદ કરી હતી

અમદાવાદ, તા.૧૧ : જૂનાગઢના આરટીઆઈ એકટીવીસ્ટ ૩૫ વર્ષીય અમિત જેઠવાની જૂલાઇ-૨૦૧૦માં ગુજરાત હાઇકોર્ટની સામે જ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી સનસનાટીભરી હત્યાના ચકચારભર્યા કેસમાં આજે સીબીઆઇ સ્પેશ્યલ જજ એમ.કે.દવેએ ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત કાવતરા હેઠળ દોષિત ઠરાવ્યા હતા અને આજે આ તમામ સાતેય દોષિતોને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી. મહત્વપૂર્ણ ઘટનાક્રમ નીચે મુજબ છે.

જેઠવાએ સલમાન અને આમિર ખાન સામે પણ ફરિયાદ કરી હતી

         આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાએ લગાનના શૂટિંગ દરમિયાન ફિલ્મના એક સીન માટે ચિંકારાનો ઉપયોગ કરવાની પણ વન વિભાગ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ ફરિયાદ કરી હતી. જેને પગલે ફિલ્મ નિર્માતા આમિર ખાનને નોટિસ પણ આપવામાં આવી હતી. આ સિવાય ગીર નેચર યુથ ક્લબે હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ દરમિયાન સલમાન ખાને બન્નીના જંગલમાં બે ચિંકારાનો શિકાર કર્યો હોવાની ફરિયાદ પણ કરી હતી.

ગીર નેચર યુથ કલબની સ્થાપના અને વન્ય સંપદા બચાવવા ઝુંબેશ

         નઝિર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી રજા મુકીને અમિત જેઠવા પુનઃ ખાંભા આવ્યા અને ત્યાં ગીર નેચર યુથ કલબની સ્થાપના કરી. આ સંસ્થાના પ્રમુખ તરીકે તેમણે વન્ય જીવ સૃષ્ટી તથા વન્ય સંપદાના રક્ષણ માટે કામગીરી શરૂ કરી. ખાંભા, મહુવા, જાફરાબાદ, દરિયા કાંઠાના વિસ્તારો તથા ગીરના સરહદી વિસ્તારોમાં આ સંસ્થાનો વ્યાપ વધાર્યો અને સંસ્થાનું સંખ્યાબળ ૪ હજાર કરતાં પણ વધુ સભ્યોનું થઇ ગયું.

માહિતી અધિકારના કાયદાને હથિયાર બનાવ્યો હતો

         બીજી તરફ માહિતી અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ તેમણે ખાંભા તાલુકા પંચાયત શોપિંગ સેન્ટરમાં માહિતી અધિકાર મંડળની રચના કરી. આ દરમ્યાન માહિતી અધિકારના કાયદા હેઠળ અનેક સંવેદનશીલ અને વિવાદાસ્પદ વિષયો અંગે માહિતી પ્રાપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેના પરિણામે તેઓ સતત વિવાદમાં રહેતાં હતા. તા.૨૬ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ તેમની સામે વન ખાતાએ તુલસીશ્યામ રેન્જમાં માલણ-આંબલિયાળા વીડીમાં ગેરકાયદે પ્રવેશ કરી ફોટોગ્રાફી કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. જેમાં તેઓ જામીન પર મુક્ત થયા હતા. અમિત જેઠવાએ અનેક મોટા માથાઓ સામે પણ કાયદાકીય લડત ચલાવી હતી.

અગાઉ જેઠવાએ દિનુ બોઘાના ભત્રીજા શિવા સામે ફરિયાદ કરી હતી

         અમિત જેઠવા કોડીનારમાં ૨૦૦૯માં તેમના સાળાના લગ્નમાં ગયા ત્યારે હુમલો થતા શિવા સોલંકી સામે જેઠવાએ આ અંગે તેમણે દિનુ બોઘાના ભત્રીજા શિવા સોલંકી સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગીર અભ્યારણ્યમાં હડમતિયા વિસ્તારમાં ચાલતી ખાણો અંગે તેમણે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી. આ માહિતી ન મળતાં તેમણે ઉચ્ચ સ્તરે લડત આપી હતી. તેમની અરજીના પગલે આ વિસ્તારમાં વિજિલન્સની તપાસ થઇ હતી અને તેના પગલે દીનુ સોલંકીને રૂ.૪૦ લાખનો દંડ પણ થયો હતો. આ સિવાય અંબુજા સિમેન્ટની બે શિપને કંડલા બંદરે સીલ કરવામાં આવી તે ઘટનામાં પણ અમિત જેઠવાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

હત્યાના દોઢ વર્ષ પહેલાં અમદાવાદમાં સ્થાયી થયા હતા

   અમિત જેઠવાની ગત તા.૨૦-૭-૨૦૧૦ના રોજ હત્યા થઇ તેના  દોઢ વર્ષ પહેલા જ અમિત જેઠવા તેમના પત્ની તથા એક પુત્રી અને પુત્ર સાથે અમદાવાદમાં સ્થાયી થયા હતા.અમદાવાદમાં રહી તેમણે કોડીનાર વિસ્તારની ગેરકાયદે ખાણો અંગે લડત ચાલુ રાખી હતી. એમની રજૂઆત બાદ આલીદર-સનવાવ રોડ પર બેલા સ્ટોન કાપવાની મશીનરી સહિતનો મુદ્દામાલ છોડાવી જનાર શખ્સો સામે ભૂસ્તર વિભાગ અને પોલીસે સંયુકત રીતે રેડ કરી ગુનો નોંધ્યો હતો.

ગિરનારની લીલી પરિક્રમા સામે વિરોધ કરાયો હતો

   દર વર્ષે યોજાતી ગિરનારની લીલી પરક્રિમા ગીર અભ્યારણ્યની હદમાં થાય છે તથા તે વિસ્તારમાં અસંખ્ય ગેરકાયદે દબાણો (જેમાં મોટેભાગે આશ્રમો તથા ધર્મસ્થાનો છે)હોવાની તેમણે રજૂઆત કરી હતી અને આ મુદ્દે જંગલ ખાતુ ભારે ધર્મ સંકટમાં મુકાયું હતું. ગીરનારની પરિક્રમા પહેલાં પણ તેમણે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીમાં અરજી કરી હતી. પર્યાવરણવાદી તરીકેની જબરદસ્ત ઇમેજ તેમણે ઉભી કરી હતી. આ સિવાય કનકાઇમાં ચૈત્રી નવરાત્રિ વખતે જંગલમાં માર્ગ પર ચાલતા લાઉડ સ્પીકરો સહિતની તમામ પ્રવૃત્તિ સામે તેમણે સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી સમક્ષ રજૂઆતો કરી હતી. ગીર અને અભયારણ્ય ક્ષેત્રમાં ચાલતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સામેનું લડત ચલાવવું તેમને ભારે પડયુ હતુ અને આખરે દિનુ બોઘા આણિમંડળીએ તેમનું કાસળ કાઢી નાંખ્યું હતું.

૨૦૦૭માં દિનુ બોઘા સામે વિધાનસભા ચૂંટણી લડ્યા

જોકે, ત્યારપછી ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણી સમયે અમિત જેઠવાએ ગ્રીન પાર્ટી બનાવી ભાજપના દીનુ બોઘા સોલંકી સામે ખાંભા-કોડીનાર મત વિસ્તારમાં ધારાસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. આ વિધાનસભા ચૂંટણી દરમિયાન અમિત જેઠવાએ ભાજપના ઉમેદવાર દીનુ બોઘા વિરુધ્ધ આચાર સંહિતાની ફરિયાદો કરી હતી.

જેઠવાએ હુમલાની દહેશતને લઇ હથિયારનું લાયસન્સ મેળવ્યું હતું

   અમિત જેઠવાને પોતાની ઉપર અગાઉ હુમલો કરાયો હોઇ અને ભવિષ્યમાં પણ ગમે ત્યારે હુમલો થવાનો ડર હોવાથી તેમણે જુનાગઢ જિલ્લા કલેકટર પાસે હથિયારનું લાયસન્સ માંગ્યું હતું. પરંતુ તેમની માગણી ન સ્વીકારાતા તેઓ હાઇકોર્ટમાં ગયા હતા. તેમની દલીલો સાંભળ્યા બાદ તેમને હથિયારનો પરવાનો મળવો જોઇએ તેવો નિર્દેશ આપ્યા બાદ જુનાગઢ જિલ્લા કલેકટરે હથિયારનું લાયસન્સ આપ્યું હતું. અમિત જેઠવા કાયમ પોતાની પાસે રિવોલ્વર રાખતા હતા.

જેઠવાએ પોતાનું જોરદાર નેટવર્ક ઉભુ કર્યું હતું

         આરટીઆઇ એક્ટિવીસ્ટ અમિત જેઠવાની હત્યા થઇ ત્યારે તેમણે કોડીનારનાં પીછવી તળાવ મામલે આરટીઆઇ કરીને તત્કાલીન ભાજપના સાંસદ દીનુ બોઘા સોલંકીનાં નાકે દમ લાવી દીધો હતો. આ દરમ્યાન અમિત જેઠવા આરટીઆઇ એકટીવીસ્ટ બન્યા એ પહેલાં વન્ય પ્રાણીઓ અને પર્યાવરણવાદી તરીકેની ઇમેજ ધરાવતા હતા. ગુજરાત જ નહીં, છેક દિલ્હીનાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડીયાનાં લોકો સાથે તેઓ સીધો સંપર્ક ધરાવતા. મિડીયાનાં લોકોને સિંહ કે ગીર વિશેની કોઇ સ્ટોરી બનાવવી હોય એટલે પહેલો ફોન અમિત જેઠવાને થતો. ત્યાં સુધી કે, ગીર જંગલમાં સિંહ કે દીપડાનો મૃતદેહ મળે તો પહેલાં અમિત જેઠવાને જાણ થાય અને પછી જે તે આરએફઓને જાણ થાય એવું જબરદસ્ત નેટવર્ક તેમણે વનવિભાગમાં ઉભું કર્યું હતું. જોકે, કારકિર્દીની શરૂઆતમાં તેમને તત્કાલીન ધારાસભ્ય દીનુ સોલંકીનો સહયોગ મળ્યો હતો. ગાંધીનગરની મુલાકાત વખતે અમિત જેઠવા દિનુ બોઘાના બંગલે રોકાતા હતા. પરંતુ ખાણ ખનીજને લઇને ચલાવેલી ઝુંબેશને લીધે દિનુ બોઘા સાથે વાંધો પડી ગયો.

(8:09 pm IST)