Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ગુજરાતભરમાં ૩૨ હજારથી પણ વધુ શાળાઓ ખુલી ગઇ

કેટલીક સ્કુલોએ વેકેશનનો ગાળો વધુ વધાર્યો : ઉનાળા વેકેશનનો રવિવારનો દિવસ અંતિમ હતો : સવારે સ્કુલ ખુલી જતા વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહમાં નજરે પડ્યા

અમદાવાદ,તા. ૧૧ : ગુજરાતભરમાં ૧૨ હજારથી વધારે માધ્યમિક અને રાજ્યભરમાં ૩૨ હજારથી વધારે પ્રાથમિક સ્કુલો આજે સવારે ખુલી જતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં સ્કુલો ફરી એકવાર બાળકોથી ગુંજી ઉઠતા નવો ઉત્સાહ ઉમેરાઈ ગયો હતો. જે બાળકો પ્રથમ વખત સ્કુલમાં પહોંચે છે તેમની સાથે તેમના વાલીઓ પણ પહોંચ્યા હતા. નર્સરી અને નાના ધોરણના બાળકો રડતા નજરે પડ્યા હતા જ્યારે મોટા ક્લાસના બાળકો ખુશખુશાલ દેખાયા હતા અને પોતાના મિત્રોને મળતા નજરે પડ્યા હતા. આ વખતે ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે ઘણી સ્કુલોમાં વેકેશનને ગાળાને સાત દિવસ સુધી લંબાવી દેવામાં આવ્યું હતું. મળેલી માહિતી મુજબ અમદાવાદ શહેરની કેટલીક સ્કુલોએ વેકેશનના ગાળાને વધુ ત્રણ દિવસ માટે લંબાવી દીધું છે જેના પરિણામ સ્વરુપે બાળકો હજુ બે ત્રણ દિવસ સુધી આરામ પર રહેશે. સ્કુલોની સાથે સાથે કોલેજો પણ હવે ટૂંક સમયમાં જ શરૂ થશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ કોલેજમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. કેટલીક સ્કુલો દ્વારા વેકેશનનો ગાળો લંબાવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ચહેલ પહેલથી સ્કુલો ફરી એકવાર ગુંજી ઉઠી હતી.ઉનાળા વેકેશનના ભાગરૂપે રવિવારનો દિવસ વેકેશનનો અંતિમ દિવસ રહ્યો હતો. ૩૫ દિવસી વધુ ગાળાની રજા રહ્યા બાદ  સ્કુલોમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ હતી. જો કે કેટલીક સ્કુલો દ્વારા વેકેશનનો ગાળો લંબાવી દેવામાં આવ્યો છે. ભીષણ ગરમીને ધ્યાનમાં લઇને વેકેશનનો ગાળો લંબાવી દેવામાં આવ્યો છે. રવિવારનો દિવસ વેકેશનનો અંતિમ દિવસ હોવાથી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. કેટલાક વાલીઓ તો પહેલાથી જ તમામ પ્રકારની ખરીદી કરી ચુક્યા છે. બજારમાં સ્કુલ યુનિફોર્મ, પુસ્તકો અને બુકો ખરીદવા માટે ભારે ભીડ જામી હતી.  નવા સત્રની શરૂઆત થયા બાદ વિદ્યાર્થીઓ ખુબ જ રોમાંચિત દેખાયા હતા. મોડી રાત્ર સુધી ખરીદી કરવામાં આવી હતી. સ્કુલ ખુલવાના એક દિવસ પહેલા પુસ્તકો ખરીદવા માટે બજારમાં ભારે ભીડ જામી હતી. અંતિમ દિવસે જોરદાર ખરીદી કરવામાં આવી હતી. રવિવાર હોવા છતાં બજારો બાળકોની ખરીદીને લઇને ખુલ્લા રાખવામાં આવ્યા હતા. કેટલીક સ્કુલો વેકેશનનો ગાળો વધુ ત્રણ દિવસ સુધી વધારો દીધો છે. બીજી બાજુ પ્રતિ કિલોમીટર સ્કુલ ઓટોમાં ૫૦ અને વેનમાં ૧૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સ્કુલ રિક્ષા ચાલકો દ્વારા ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યા બાદ વાલીઓ પર વધારે બોજ પડશે. બીજી બાજુ વેન ચાલકો દ્વારા પણ ૧૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા રેટ મુજબ સ્કુલ ઓટો માટે દર મહિને હવે ૭૫૦ રૂપિયા રહેશે. સ્કુલ વેન માટે ૧૨૫૦ રૂપિયા રહેશે. પાંચ કિલોમીટર સુધીના અંતર માટે આ વધારો રહેનાર છે. સ્કુલ વર્ધી રિક્ષા અને વેનમાં વધારો કરાતા આને લઇને નારાજગી વ્યક્ત કરાઈ છે.

સ્કુલોમાં ચહેલપહેલ.....

*    ગુજરાતભરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં સ્કુલો વિદ્યાર્થીઓથી ફરી ગુંજી ઉઠી

*    ગુજરાતભરમાં ૧૨ હજારથી વધારે માધ્યમિક અને ૩૨ હજારથી વધારે પ્રાતમિક સ્કુલો ફરીથી ખુલી ગઈ

*    વેકેશનનો ગાળો પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સ્કુલમાં પહોંચ્યા

*    રવિવારના દિવસે ખરીદી કરવા માટેનો છેલ્લો દિવસ હતો જેથી બજારમાં પુસ્તકો, યુનિફોર્મની મોટાપાયે ખરીદી થઇ

*    દુકાનદારોએ પણ રવિવાર હોવા છતાં દુકાનો ખુલ્લી રાખી

*    કેટલીક સ્કુલોમાં વેકેશનનો ગાળો વધુ લંબાવાયો

*    સ્કુલ વર્ધી રિક્ષામાં અને વાનમાં ૧૦૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો

*    વધારો કરવામાં આવ્યા બાદ વાલીઓ પર વધુ બોજ પડશે

*        પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને ધ્યાનમાં રાખી નિર્ણય

(8:08 pm IST)