Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ખુદ કમ્પાઉન્ડરે જ ડોકટરના દુષ્કર્મના વીડિયા ઉતાર્યા હતા

સેક્સ મેનિયાક પ્રતિક જોષીના કેસમાં નવા ખુલાસા : ડો.પ્રતીક જોષીના ક્લિનિકમાંથી નશીલા ઇન્જેક્શન અને ગર્ભનિરોધક દવાઓ મળી આવતાં તર્કવિતર્કોનો દોર શરૂ

અમદાવાદ,તા. ૧૧ : વડોદરાના અનગઢ ગામમાં સેક્સ મેનિયાક ડોકટર પ્રતીક જોષી દ્વારા અનેક મહિલાઓ સાથે સારવારના બહાને દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે આરોપી કમ્પાઉન્ડર દિલીપ ગોહિલની ધરપકડ કર્યા બાદ હાથ ધરેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં આરોપી કમ્પાઉન્ડરે સેક્સ મેનિયાક ડોકટરના ૧૩૫ જેટલા વીડિયો ઉતાર્યા હતા, જેમાંથી કેટલાક તેણે ડિલીટ પણ કર્યા હતા અને કેટલાક વીડિયો તેણે તેના મિત્રવર્તુળમાં પણ મોકલ્યા હતા. પોલીસે આ સિવાય એક પેન ડ્રાઇવમાંથી પણ ૨૫ જેટલા અન્ય વીડિયો જપ્ત કર્યા છે. તો પોલીસની તપાસમાં, દુષ્કર્મ બાદ વીડિયો ઉતારવાના કેસમાં ગામના જ કેટલાક લોકો કામલીલાનો વીડિયો બતાવી ડૉક્ટર પ્રતિક જોષીને બ્લેકમેઇલ કરતા હોવાનું પણ બહાર આવ્યુ છે. જેમાં અનગઢ ગામના ઉપ સરપંચની પણ તેમાં ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસ દરમ્યાન ડો.પ્રતીક જોષીના ક્લિનિકમાંથી નશીલા ઇન્જેક્શન અને ગર્ભ નિરોધક દવાઓ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, આ ચકચારીકાંડ બાદ ડોકટર ભૂગર્ભમાં ઉતરી ગયો હોઇ પોલીસને તેને પકડવા માટે બે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. આગામી દિવસોમાં આ ચકચારભર્યા પ્રકરણમાં હજુ વધુ ધરપકડો થાય તેવી સંભાવના પણ પોલીસે વ્યકત કરી હતી. વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં લપંટ ડોક્ટર પ્રતિક જોષી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી. નંદેસરી પોલીસ આજે અનગઢ ગામમાં પહોંચી હતી. અને ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ક્લિનિકમાંથી નશીલા ઇન્જેક્શન અને ગર્ભ નિરોધક દવાઓ જપ્ત કરાયા હતા. આ ઉપરાંત અનગઢ ગામના જ કેટલાક લોકો કામલીલાનો વીડિયો બતાવી ડૉક્ટર પ્રતિક જોષીને બ્લેકમેઇલ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે અને તેમાં ગામના ઉપસરપંચની પણ સંડોવણી સામે આવી છે. ઉપસરપંચે ડોકટરનો રૂ.પાંચ લાખનો તોડ કર્યો હોવાનો ખુલાસો પણ કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે કર્યો હતો. પોલીસે ચકચારભર્યા એવા આ કેસમાં વધુ ધરપકડો કરવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર આવેલી ક્રિષ્ણા ટાઉનશીપમાં રહેતો બી.એચ.એમ.એસ. ડો. પ્રતિક જોષી વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતો હતો. આ ડૉક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો અને બાદમાં તેઓ સાથે પોતાના ક્લિનિકમાં જ સેક્સલીલા માણતો હતો. આ ડૉક્ટરે અનગઢ ગામની ૪૦ જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાની વાત બહાર આવી હતી. જેમાંથી ૭થી વધુ મહિલા દર્દીઓ સાથેના ૨૫ વીડિયો વાયરલ થયા હતા. જો કે, પોલીસ તપાસમાં ડોકટરના દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાઓનો આંક તેનાથી પણ ઉપર જાય તેવી સંભાવના છે. પોલીસે કેસની સંવેદનશીલતા ધ્યાને લઇ એકદમ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(7:29 pm IST)