Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સૌરાષ્‍ટ્ર - દક્ષિણ ગુજરાતમાં આ સપ્‍તાહમાં સામાન્‍ય વરસાદની સંભાવના : નવસારી - અંબાજીમાં વરસાદ

મધ્‍ય લેવલે એન્‍ટી સાયકલોન સર્જાતા પ્રિ-મોન્‍સૂન એકટીવીટીમાં વિલંબ

અમદાવાદ : મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઈ ગયા બાદ હવે ગુજરાતમાં પણ તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સેટેલાઈટ ઈમેજમાં ગુજરાતના ઉત્તર વિસ્‍તારમાં વાદળો જોવા મળ્‍યા હતાં. જેમાં આજે સવારથી જ સાબરકાંઠાના અનેક ગામોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્‍યો હતો જયારે બનાસકાંઠાના અંબાજીમાં પણ વરસાદ પડ્‍યો હતો જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અનેક જગ્‍યાએ પાણી પણ ભરાઈ ગયા હતું.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ અને નવસારીમાં પણ સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ભારે પવન સાથે ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્‍યાએ વરસાદ ખાબક્‍યો હતો.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્‍ય વરસાદ પડ તેવી સંભાવના છે. કેન્‍દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા-નગર હવેલી સહિત ગુજરાતના છૂટાછવાયા વિસ્‍તારોમાં ૧૧થી ૧૩ જૂન દરમિયાન વરસાદ પડે તેવી સંભાવના છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં ૮દ્મક ૧૦ જૂન દરમિયાન પ્રિ-મોનસૂન એક્‍ટિવિટી શરૂ થવાની વરસાદી ઝાપટાથી માંડી હળવા વરસાદની શક્‍યતા હતી. જોકે હાલમાં વાતાવરણમાં મધ્‍ય લેવલમાં એન્‍ટી સાયક્‍લોન સર્જાતા પ્રિ-મોનસૂન એક્‍ટિવિટીમાં વિલંબ ઊભો થયો છે, જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં ૨૩થી ૨૫મી જુન વચ્‍ચે હળવાથી મધ્‍યમ વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે, ૨૦ જુન સુધી છુટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્‍યતા છે. હવામાન સુત્રોના જણાવ્‍યા પ્રમાણે, મોનસુન એડવાન્‍સ હોવાથી ૮થી ૧૦મી જુન વચ્‍ચે અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્‍ટિવિટી અને ૧૦થી ૧૨ જુન વચ્‍ચે દરિયાકાંઠાના વિસ્‍તારોમાં મધ્‍યમથી ભારે વરસાદની શક્‍યતા હતી.

(12:01 pm IST)