Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

આ અઠવાડિયામાં ગુજરાતમાં પણ થઇ જશે ચોમાસાની એન્ટ્રી!

આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે

મુંબઇ તા. ૧૧ : મહારાષ્ટ્રમાં ચોમાસાની શરુઆત થઈ ગયા પછી હવે ગુજરાતમાં પણ તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સેટેલાઈટ ઈમેજમાં ગુજરાતના ઉત્તર વિસ્તારમાં વાદળો જણાઈ રહ્યા છે. IMDના અનુમાન અનુસાર, આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

IMDની વેબસાઈટ અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા-નગર હવેલી સહિત ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ૧૧ જૂનથી ૧૩ જૂન દરમિયાન વરસાદ પડી શકે છે. જો કે કચ્છમાં શુષ્ક વાતાવરણ જળવાઈ રહેશે.

METના અધિકારીઓએ જણાવ્યું કે, કેરળમાં આવેલા વહેલા ચોમાસાને કારણે બની શકે કે ગુજરાતમાં પણ ૧૦ જૂનની આસપાસ વરસાદ પડે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી ચોમાસુ શરૂ થતુ હોય છે.

ઉલ્લેખનીય છે કે, રાજયભરમાં હજી પણ અસહ્ય ગરમી પડી રહી છે. ભાવનગરમાં સૌથી વધારે ૪૧.૫ ડિગ્રી, અમદાવાદમાં ૪૧.૨ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.(૨૧.૧૦)

(10:17 am IST)