Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

જેઇઇ : સુરતના શ્રેય બંસલે ટોપ ૧૦૦માં સ્થાન મેળવ્યું

શ્રેય બંસલને ૩૬૦માંથી ૨૮૦ માર્ક મળ્યા : સુપર ૩૦એ ફરીથી સપાટો બોલાવ્યો :૨૬ સફળ રહ્યા

અમદાવાદ, તા. ૧૦ : આઈઆઇટીની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માટે ચર્ચાસ્પદ સંસ્થા સુપર ૩૦એ આ વર્ષે પણ આઈઆઈટી સંયુક્ત પ્રવેશ પરીક્ષા જેઇઇમાં ફરી બાજી મારી લીધી છે. આ વર્ષે આ સંસ્થાના ૨૬ વિદ્યાર્થીઓએ ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી છે. આજે જેઇઇનું પરિણામ જાહેર થયા બાદ સુપર ૩૦ના સ્થાપક અને ગણિતશાસ્ત્રી આનંદકુમારે કહ્યું હતું કે, હવે સુપર ૩૦નું કદ વધુ મોટું થશે. પરિણામ આવ્યા બાદ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, બાળકોની સતત મહેનતના લીધે આ પરિણામ મળ્યા છે. બીજી બાજુ ધોરણ ૧૨ સાયન્સ પછી લેવામાં આવતી જેઇઇ એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું  જેમાં સુરતના વિદ્યાર્થી શ્રેય રાજીવ બંસલે પણ ઉલ્લેખનીય સફળતા હાસલ કરી છે. રાજીવ બંસલે ટોપ ૧૦૦માંથી ૭૨મું સ્થાન હાસલ કર્યું છે. માતા-પિતા અને સ્કુલ તરફથી આ વિદ્યાર્થીને મોડેથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જેઇઇ એડવાન્સ ૨૦૧૮નું આજે પરિણામ જાહેર કરાયું હતું. સુરતના શ્રેય રાજીવ બંસલે નોંધપાત્ર દેખાવ કર્યો છે. કુલ ૩૬૦ માર્કમાંથી શ્રેયને ૨૮૦ માર્ક મળ્યા છે. આગામી સમયમાં શ્રેય દિલ્હી અથવા મુંબઈથી આઈઆઈટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયર બનવા ઇચ્છુક છે. લાન્સર આર્મી સ્કુલમાં અભ્યાસ કરનાર શ્રેય બંસલ આકાશ ઇન્સ્ટીટ્યુટમાં તૈયારી કરતો હતો. પરિવાર સાથે તમામે તેને શુભેચ્છા પાઠવી છે. સ્માર્ટ ફોન દ્વારા સોશિયલ નેટવર્ક પર વિદ્યાર્થીઓ વધારે સમય ગાળી રહ્યા છે ત્યારે શ્રેય બંસલે કહ્યું હતું કે, ફેસબુક, વોટ્સએપ જેવા સોશિયલ માધ્યમથી તે દૂર રહ્યો હતો. ફિલ્મ જોવાની સાથે સાથે અન્ય કાર્યક્રમોમાં જવાનું ટાળ્યું હતું. એકમાત્ર પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેના પરિણામ સ્વરુપે આ ઉલ્લેખનીય સફળતા મળી છે.

(8:46 am IST)