Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ડાંગની સરિતા ફરી એકવાર ગોલ્ડ મેળવી ગૌરવ અપાવ્યું

યુરોપ એથ્લેટિક્સમાં ૪૦૦ મીટર દોડમાં ફરી ગોલ્ડ : સરિતા ગાયકવાડે ૪૦૦ મીટર દોડ ૫૨.૭૭ સેકન્ડમાં પુરી કરી હતીઃ આદિવાસી કન્યા પર અભિનંદનની વર્ષા

અમદાવાદ, તા.૯ : ધૂલ કા ફૂલ અને ડાંગી એક્સપ્રેસના હુલામણા નામથી ઓળખાતી સરિતા ગાયકવાડે યુરોપ એથ્લેટિક્સમાં ગોલ્ડ મેળવી ફરી એકવાર તેનું અને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કરી ગૌરવ વધાર્યું છે. પોલેન્ડમાં યોજાયેલી યુરોપ એથ્લેટિકસ ચેમ્પિયનશિપની ૪૦૦ મીટર દોડને સરિતાએ ૫૨.૭૭ સેકન્ડમાં પુરી કરીને બીજો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. સરિતાને સિધ્ધિને ડાંગ સહિતના આદિવાસી સમાજ દ્વારા અભનિંદનની વર્ષા કરીને વધાવી લેવામાં આવી હતી. એટલું જ નહી, રાજય સરકાર અને રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ સરિતાની આ સિધ્ધિને લઇ અભિનંદન-શુભેચ્છા પાઠવવામાં આવી હતી. રાજ્યના અતિ છેવાડાના ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામથી ખેલમહાકુંભના રમતોત્સવ થકી નેશનલ કક્ષાએ એથ્લેટિકસમાં ઉજળો દેખાવ કરનારી કુ.સરિતા ગાયકવાડે ગત વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એશિયન એથ્લેટિકસ દોડની રમતમાં ભાગ લઇ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે ગોલ્ડ મેડલ પ્રાત કરીને વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વગાડયો હતો. ત્રણ દિવસ અગાઉ સરિતાએ પોલેન્ડમાં યોજાયેલી યુરોપ એથ્લેટિકસ ચેમ્પિયનશિપની ૪૦૦ મીટરની દોડ પણ માત્ર ૫૪.૨૧ સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવી બીજી વખત દેશને સુવર્ણચંદ્રક અપાવી નામ રોશન કર્યુ હતું. ત્યારે આજે ફરી ૪૦૦ મીટરની દોડને ૫૨.૭૭ સેકન્ડમાં પૂર્ણ કરીને બીજો મેડલ હાંસલ કરી યુરોપમાં અને વિશ્વકક્ષાએ ભારતનો ડંકો વગાડ્યો છે. જેને લઇ માત્ર આદિવાસી સમાજ  જ નહી પરંતુ સમગ્ર ગુજરાત રાજયનું ગૌરવ વિશ્વસ્તરે વધાર્યું છે. સરિતાની આ સિધ્ધિને લઇ સમગ્ર આદિવાસી સમાજ અને ગુજરાતના રમતવીરોમાં ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ હતી.

(8:13 pm IST)