Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

રાષ્ટ્રીય એકતા અભિયાનની શરૂઆત : ભાજપ ઉત્સાહિત

એક દેશ એક સંવિધાનને ગુજરાતમાં પ્રારંભ થયો : જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ને દુર કરવાના ઐતિહાસિક નિર્ણયને દેશમાં કરોડો ભારતીય વધાવી ચુક્યા છે : અમિત ઠાકરે

અમદાવાદ,તા.૬ : કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એને દુર કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં જનજાગૃતિના ભાગરૂપે કેન્દ્રિય ભાજપ દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન-એક દેશ એક સંવિધાનનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભાજપા પ્રદેશ મંત્રી તથા સંપર્ક અભિયાનના પ્રદેશ સહસંયોજક અમિત ઠાકરે ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે ઇલેકટ્રોનિક મિડીયાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જોડીએ દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ દાખવી દેશના સાર્વભોમત્વ માટે જોખમી અને કાશમીરના વિકાસમાં અવરોધરૂપ કલમ-૩૭૦ દૂર કરવાનો યશસ્વી અને ઐતિહાસિક નિર્ણય લઇને કાશ્મીરના વિકાસના દ્વાર ખોલ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારે કરેલા નિર્ણય વિશે કેટલીક વ્યક્તિઓ અને રાજકીય પક્ષો પોતાના અંગત સ્વાર્થ અને હિતને સાધવા માટે સમગ્ર દેશ અને દુનિયામાં જુઠ્ઠાણા અને ભ્રામક પ્રચાર ચલાવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં જનજાગૃતિ લાવવા માટે કેન્દ્રીય ભાજપા દ્વારા તારીખ ૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર સુધી શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય એકતા અભિયાન - એક દેશ એક સંવિધાન''નો ગુજરાતમાં ભવ્યાતિભવ્ય પ્રારંભ કરવામાં આવશે.

           ઠાકરે જણાવ્યુ હતુ કે, કેન્દ્રીય ભાજપા દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન અન્વયે દેશના ૩૭૦ સ્થાનોએ જનજાગરણ અભિયાન અંતર્ગત વિશિષ્ટ-વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે અને સંપર્ક અભિયાન અંતર્ગત દેશભરમાં ૨૦૦૦ જેટલા એવા લોકો કે જેઓનો સમાજમાં પ્રભાવ છે તેવા વિશિષ્ટ નાગરિકો સાથેનો સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવશે. આ સંપર્ક અભિયાન દરમ્યાન રાજ્યની પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરી દરેક વિધાનસભા વિસ્તારમાં વસતા નામાંકિત-પ્રતિષ્ઠિત એવા ડૉકટર, વકિલ, શિક્ષક સહિત સાધુ-સંતોના સંપર્ક કરવામાં આવશે. રાજ્ય પ્રત્યેક ખુણે ગામડે-ગામડે, ઘરે-ઘરે જઇને આ અભિયાન અંતર્ગત ''માય કાશ્મીર-માય ઇન્ડિયા'' સાહિત્યનું વિતરણ કરવામાં આવશે તથા સૌને કેન્દ્ર સરકારે લીધેલ યોજનાઓ અને ઐતિહાસિક નિર્ણયથી તમામ નાગરિકોને માહિતગાર કરવામાં આવશે.ઠાકરે વધુમાં જણાવ્યુ હતુ કે, દેશના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમિ તેમજ દેશની એકતા અને અખંડિતતાને પડકારનાર ૩૭૦ની કલમને હટાવવાનો મક્કમ નિર્ણય કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કર્મભૂમિ ગુજરાત-અમદાવાદ ખાતે પ્રબુધ્ધ નાગરિક એવા ૩૭૦ તબીબો ઐતિહાસિક નિર્ણયને સમર્થન આપતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં આગામી ૮ સપ્ટેમ્બર, રવિવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે અમદાવાદના ગુજરાત યુનિવર્સીટી એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના હોલ નંબર-૨ ખાતે ભાજપામાં જોડાઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'નયા ભારત'ના સંકલ્પને સિધ્ધ કરવામાં સહયોગી બનશે. ભાજપના કાર્યક્રમને લઈ ઉત્સુક્તા દેખાઈ રહી છે.

(8:33 pm IST)