Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

રૂપાણીએ વ્યાજખોર નેતાના મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું

મુખ્યમંત્રી રૂપાણીના સૂચક મૌનની ભારે ચર્ચાઃ હિપોલીનનાં માલિક પાસેથી કરોડોનાં તોડ મામલે પોલીસ ફરિયાદ બાદ પણ ધરપકડ નહીં કરાતા અનેક સવાલો

અમદાવાદ,તા.૬: શહેરનાં હિપોલીનનાં માલિક પાસેથી કરોડોનાં તોડ મામલે શહેર ભાજપ યુવા મોરચાનાં કાર્યકર સામે થયેલ પોલીસ ફરિયાદ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૌન સેવ્યું હતું. યુવા નેતા દર્શક ઠાકર મુદ્દે મીડિયા દ્વારા પૂછાયેલ સવાલમાં મુખ્યમંત્રીએ કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો ન હતો.  બીજીબાજુ, હવે આ સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ બાદ પણ હજુ સુધી ભાજપના યુવા મોરચાના કાર્યકર દર્શક ઠાકરની ધરપકડ નહી થતાં પોલીસ અને સરકારના સત્તાવાળાઓ સામે આરોપીઓને છાવરવાના ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દર્શક ઠાકર, રાહુલ સોનીએ હિપોલીનનાં માલિક પાસેથી કરોડોનો તોડ કર્યો હતો. રૂ.૮૦ લાખનાં વ્યાજ પેઠે આ ટોળકીએ રૂ.૧૦ કરોડ પડાવ્યાં હતાં અને દર્શક, રાહુલ, દેવરાજ મુખીને પોલીસ છાવરતી હોવાની લોકોમાં ચર્ચા સેવાઇ રહી છે. ત્યારે અહીં એવો સવાલ થાય છે કે, કરોડોનાં તોડ પછી પણ દર્શક મુદ્દે ભાજપનું ભેદી મૌન કેમ છે. દર્શક અને દેવરાજને સામે પક્ષે કોઈ એક્શન કેમ લીધાં નથી. ઉલ્લેખનીય છે કે યુવા ભાજપ નેતા દર્શક ઠાકર પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. હિપોલીન કેસમાં કરોડો રૂપિયા ઉઘરાવવાનાં આરોપ લાગ્યાં બાદ દર્શક ઠાકર ફરાર થઈ ગયો છે. દર્શક ઠાકર પર નેતાઓનાં નાણાંને વ્યાજે ફેરવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. તેનાં પર આરોપ લાગવા છતાં પોલીસ પણ તપાસમાં ઢીલ મુકી રહી છે. તો મહત્વનું છે કે ભાજપે પણ અત્યાર સુધી આ મામલે કોઈ જ પગલાં લીધાં નથી. રાહુલ સોની, દેવરાજ મુખી સાથે મળીને દર્શક ઠાકરે કરોડો રૂપિયા પડાવ્યાં હતાં. યુવા મોરચાની ટોળકીએ ૮૦ લાખનું ૧૦ કરોડ જેટલું વ્યાજ વસૂલ્યું હોવાનો પણ ગંભીર આરોપ લાગ્યો છે. લોકો સાથે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર દર્શક ઠાકર પરિવાર સાથે પલાયન થઇ ગયો છે. ભાજપ સાથે સંકળાયેલો હોવાથી હજુ પણ ધરપકડ ન થતાં હવે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે કે, શું દર્શકને ભાજપ જ બચાવે છે. આ સમગ્ર મામલે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સીધો પ્રશ્ન પૂછાતાં તેમણે પણ સૂચક મૌન સેવ્યું હતું અને આ અંગે કોઇ પણ પ્રકારનું નિવેદન કે પ્રત્યુત્તર આપવાનું ટાળ્યું હતું. મુખ્યમંત્રીના સૂચક મૌનને લઇને પણ ભારે ચર્ચા ચાલી છે. તો, પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

(11:08 pm IST)