Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

આણંદ-વડોદ વચ્ચે ટ્રેનમાંથી મહિલાનું પર્સ સેરવી ગઠિયો છનનન.....

આણંદ:૧૫ દિવસ પહેલાં વહેલી સવારના સુમારે આણંદથી ઉપડેલી જામનગર તીરૂનવેલી એક્સપ્રેસ ટ્રેનમાં ચઢી ગયેલા બે લુંટારાઓ એક મહિલાનું ૧.૬૩ લાખ ઉપરાંતની મત્તાનું પર્સ લૂંટીને ચાલુ ટ્રેને ઉતરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આણંદ રેલવે પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ખાતે રહેતા ફરિયાદી રેખાબેન અનિલભાઈ આહુજા પોતાની પુત્રી સાથે ગત ૧૯મી તારીખના રોજ જામનગરથી સુરત આવવા માટે જામનગર તીરૂનવેલી ટ્રેનના રીઝર્વેશન કોચ નંબર એસ-૭ની ૫૭ નંબરની સીટ પર સવાર થઈને આવવા નીકળ્યા હતા. ૨૦મી તારીખના રોજ વહેલી સવારના ૪.૩૮ કલાકે ટ્રેન આણંદ રેલવે સ્ટેશને આવી પહોચી હતી અને થોડીવાર થોભ્યા બાદ ટ્રેન ઉપડી હતી. દરમ્યાન એકાએક એક ૨૩ વર્ષની ઉંમરનો એક ૨૦ વર્ષની ઉમરના પાતળા બાંધાના શ્યામ વર્ણના બે શખ્સો આવી ચઢ્યા હતા અને મહિલાએ માથા નીચે મુકેલું પર્સ કે જેમાં સોનાનું પોણા ત્રણ તોલા વજનનું બ્રેસલેટ, દોઢ તોલા મંગળસુત્ર, પાંચ ગ્રામ સોનાની વીંટી, ટાઈટન ઘડિયાળ, બે મોબાઈલ ફોનો તથા રોકડા ૯ હજાર મુક્યા હતા. તે પર્સ આંચકીને લૂંટ ચલાવી ભાગ્યા હતા. અને ચાલુ ટ્રેને ઉતરી ગયા હતા.

રેખાબેને બુમાબુમ કરતાં બીજા મુસાફરો જાગી ગયા હતા અને કોચમાં તપાસ કરતાં કોઈ મળી આવ્યુ નહોતુ. દરમ્યાન ચેઈન પુલીંગ કરતાં ટ્રેન વડોદ રેલવે સ્ટેશને ઉભી રહી હતી. ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી પણ કોઈ મળ્યુ નહોતુ. જેથી તેઓ ટ્રેનમા સવાર થઈને સુરત જતા રહ્યા હતા ત્યારબાદ આજે આણંદ રેલવે પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને બન્ને શખ્સોના વર્ણનના આધારે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:10 pm IST)