Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં બે વિષયની પૂરક પરીક્ષા લેવાશે તો હજારો છાત્રોનું વર્ષ બચશેઃ સંચાલક મંડળ

મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

રાજકોટ, તા. ૬ :. તાજેતરમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ નીચુ આવતા હજારો છાત્રો નાપાસ થયા છે ત્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં બે વિષયોની પરીક્ષા લેવા ખાનગી શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ અજયભાઈ પટેલના નેતૃત્વમાં રજૂઆત કરી હતી.

ગઈકાલે સ્વનિર્ભર શાળા સંચાલિત મંડળના પ્રતિનિધિઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં છેલ્લા ઘણા વર્ષથી એક જ વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા જુલાઈ માસના બીજા સપ્તાહમાં લેવાતી હોય છે. જ્યારે ધો. ૧૦માં બે વિષયની પૂરક પરીક્ષા લેવાય રહી છે. તદુપરાંત આ વર્ષથી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પણ બે વિષયની પૂરક પરીક્ષા લેવાનો પરિપત્ર શિક્ષણ બોર્ડ દ્વારા ૨૪-૫-૨૦૧૮એ કરવામાં આવ્યો છે, ત્યારે સામાન્ય પ્રવાહનું આ વર્ષ પરિણામમાં ૫૫ ટકા જેટલું નીચુ આવ્યુ છે.

ત્યારે સામાન્ય પ્રવાહમાં આ વર્ષે ૧,૪૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ બે વિષયમાં નાપાસ થયેલ છે, તો જો આ વિદ્યાર્થીઓને જુલાઈ માસમાં બેસનાર પૂરક પરીક્ષામાં બે વિષયમાં છૂટ આપવામાં આવે તો ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું વર્ષ બચી જશે અને આ પ્રકારની વ્યવસ્થા નહીં દૂર કરવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થઈ આવતા વર્ષ સુધી પરીક્ષાની તૈયારી કરવાને બદલે અભ્યાસ છોડી દેવાની સંભાવના રહેલી છે અને તેથી ડ્રોપ-આઉટ રેશિયો વધવાની સાથે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ન જાય અને ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ એ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આ બાબતે વિગતવાર રજૂઆત કરી હતી.

આ રજૂઆત કરવા પ્રમુખ અજયભાઈ પટેલ, મહામંત્રી અવધેષભાઈ કાનાગડ, ડી.વી. મેહતા, ડી.કે. વાડોદરીયા, પરિમલ પરડવા, જયદીપભાઈ જળુ, હરેશભાઈ પાઘરા તેમજ નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રજૂઆતમાં શ્રી નિતીન ભારદ્વાજ જ સહયોગ રહ્યો હતો તેમજ શિક્ષણમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની ખાતરી આપી હતી.

(4:25 pm IST)