Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

અમદાવાદ જિલ્લા પંચાયતના ૩ કોંગી સભ્ય ખડી પડે તેવા એંધાણ : માતાજીના સોગંદ લેવડાવ્યા !

અઢી વર્ષથી પક્ષ અને સત્તાધીશો દ્વારા સતત અવગણનાનો ચૂંટણી ટાણે જ પડઘો!!

રાજકોટ તા. ૬ : અમદાવાદ જિલ્લા પંચાયતમાં સભ્યોની ખરીદીની બાદ કોંગ્રેસમાં ભડકો થયો છે. મંગળવાર સવારથી સભ્યો પોતાની રીતે તપાસ કરવા લાગ્યા હતાં. સભ્યની પોલ ખુલે તે માટે અને ભવિષ્યમાં કોંગ્રેસના સભ્યો પક્ષપલ્ટો કરે નહીં તે માટે જિલ્લા કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં માતાજીના સોંગદ લેવડાવ્યા હતાં.

કોંગ્રેસના સભ્યો કોઇપણ પ્રકારની નારાજગી નહીં હોવાનો દાવો પણ કરે છે. બીજીતરફ સભ્યોની ખરીદીની વાત બહાર આવતા ભાજપના સભ્યોએ કહ્યું અમને ખરીદીમાં કોઇ રસ નથી. અમે વિપક્ષમાં બેસી કોંગ્રેસની પોલ ખોલીશું. સમગ્ર વિવાદનો અંત ૨૦મી જૂનના રોજ મળનારી સામાન્યસભામાં આવી જશે.

કોંગ્રેસના ત્રણ સભ્યો આંતરિક વિવાદના કારણે ભાજપમાં જોડાય તેવી પ્રબળ શકયતા છે. આ ત્રણ સભ્યોએ કેટલાક આગેવાનોની સલાહ લઇને આગળ વધી રહ્યા છે. અઢી વર્ષના શાસનમાં ત્રણ સભ્યોની અવગણના કરાઇ છે. જિલ્લા પંચાયત કોંગ્રેસના હોદ્દેદારો પણ તેમની રજૂઆતો સાંભળતા નથી. કોંગ્રેસના હોદ્દેદારો સામે ભારે નારાજગી છે. જેનો ફાયદો ભાજપ ઉઠાવવા પ્રયાસ કરે છે.

સુત્રો કહે છે,કે કોંગ્રેસના સભ્યોને ભાજપમાં ખેંચવા માટે અન્ય જિલ્લાના આગેવાનોને જવાબદારી સોંપાઇ હોવાથી આ અંગે જિલ્લા પંચાયતના અહિંના ભાજપના સભ્યોને કોઇ ગંધ નથી.

કોંગ્રેસમાં સભ્યોની ખરીદી બાદ ભડકો થયો છે. જેથી માતાજીની શરણ લીધી છે અને સભ્યો પક્ષપલ્ટો કરે નહીં માટે માતાજીના સોંગદ લેવડાવ્યા છે. આગેવાનો તમામ સભ્યો સાથે વનટુવન ચર્ચા કરી નારાજગી દૂર કરવા પ્રયાસ કરે છે. બીજીબાજુ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ૨૦મી જૂને સામાન્ય સભામાં મળનારી છે.

(12:43 pm IST)