Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સુરતમાં કોરોનાના કારણે મોતને ભેટનાર મહિલાને ૨૮ માર્ચે તબીબે હોસ્‍પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી પરંતુ તે માની ન હતી

સુરત: રાજ્યમાં કોરોનાથી મોતના આંકડામાં વધુ એકનો ઉમેરો થયો છે. સુરતના કોરોના પોઝિટિવ મહિલા એવા 61 વર્ષીય રજનીબેન લીલાનીનું મોત નિપજ્યું છે. સુરતના પાલ વિસ્તારમાં રહેતા રજનીબેન લીલાનીનો રિપોર્ટ એક દિવસ પહેલા જ આવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તેઓને પહેલેથી જ દમની બીમારી હતી. જોકે, સારવાર શરૂ થયાના થોડા કલાકોમાં જ તેમનુ મોત નિપજ્યું હતું.

સુરતમાં મહિલાના મોત પર પ્રિન્સિપાલ સેક્રેટરી જયંતિ રવિએ કહ્યું, 61 વર્ષની સુરતની મહિલા જેનું રવિવાર મૃત્યુ થયું તે 28 માર્ચે હોસ્પિટલ આવી હતી. આ સમયે ડોક્ટરે તેને એડમિટ થવાની સલાહ આપી હતી, પરંતુ તે માની નહીં. જ્યારે 4 એપ્રિલે તે ફરી હોસ્પિટલ આવી ત્યારે તેની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી. તે કોરોના પોઝિટિવ મળી આવી અને તેની રિકવરીનો કોઈ ચાન્સ નહોતો. તેમણે ઉમેર્યું કે, આ મહિલાના પતિનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને વિસ્તારમાં પણ કેટલાક કેસ સામે આવ્યા છે.

જયંતિ રવિએ કહ્યું, અમે લોકોને અપીલ કરીએ છીએ કે જો તમારા એરિયામાંથી કોરોનાના વધારે દર્દી હોય તો તાવ કે શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા કોઈપણ લક્ષણો જણાય કે તરત ડોક્ટરનો સંપર્ક કરો. હોસ્પિટલમાં એડમિટ થવામાં મોડું કરવું તમારા બચવાના ચાન્સને ઓછા કરે છે.

સુરતમાં એક જ દિવસમાં વધારે ત્રણ કેસ પોઝિટિવ આવતા હવે આંકડો 16 પર પહોંચી ચુક્યો છે. પાંડેસરા, બેગમપુરા બાદ અડાજણમાં પણ પોઝિટિવ કેસ નોંધાયો છે. સુરત APMC કાંડ બાદ આ માર્કેટ પણ આગામી આદેશ સુધી બંધ રાખા માટેના આદેશ અપાઇ ચુક્યા છે.

(5:26 pm IST)