Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ક્ષેત્રપાળ મંદિર ૪-૪ સદીમાં પહેલીવાર હનુમાન જયંતીએ ભાવિકો માટે ખુલશે નહિં

બુધવારે હનુમાન યાગ અને ભજન સંધ્યા નહીં થાય

સુરત તા. ૬: સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજયોના લાખો શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા સુરતમાં કૈલાશનગર સ્થિત ક્ષેત્રપાળ દાદા મંદિરમાં ચાલુ વર્ષે સંયમ અને સાદગી સાથે હનુમાન જયંતીની ઉજવણી કરાશે. ચાલુ વર્ષે પહેલીવાર હનુમાન જયંતીએ ૪૦૦ વર્ષ પ્રાચીન મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. ચૈત્ર સુદ પૂનમના બુધવારે હનુમાન જયંતી નિમિત્તે મંદિરમાં હનુમાન યાગ અને ભજન સંધ્યા રદ કરીને માત્ર પૂજારીઓ દ્વારા દાદાની પૂજા-આરતી જ કરાશે.

નોંધનીય છે કે, પ્રાચીન સમયમાં જયારે મંદિરો શહેરથી દૂર બાંધવામાં આવતા ત્યારે ક્ષેત્રનું રક્ષણ કરતા હોવાથી ક્ષેત્રપાળ દાદા નામ મળ્યું હતું. મંદિરમાં કાળ ભૈરવદાદા અને બટુક ભૈરવદાદા પણ બિરાજમાન છે. ત્રણેય મૂર્તિઓ સ્વયંભૂ છે અને સિંદૂરથી બનેલી છે.

વિક્રમ સવંત ૧૬૮ર (ઇ.સ. ૧૬રપ) માં તાંત્રિકે આકાશમાં વિદ્યાના પ્રયોગ વડે ત્રણ જીવતા વૃક્ષો આકાશમાં ઉડતા મૂકયા હતા. આ વૃક્ષોને જોઇ મંદિરના પૂર્વજ ગૌરીશંકરભાઇનું હૃદય દ્રવી ઉઠયું અને તેમને વિચાર્યું કે, આ વૃક્ષોની અવગતી થશે, જેથી એ વૃક્ષોનો ઉદ્વાર કરવા માટે ત્રિપુરી સુંદરી અને કાલભૈરવ દાદાનું આહવાન કરીને વૃક્ષોને જમીન પર ઉતાર્યા હતા.

તેમાં તાડનું વૃક્ષ નવસારી બજારમાં ઉતાર્યું. ત્યાં ક્ષેત્રપાળ હનુમાન, કાળભૈરવજી અને બટુક ભૈરવજીનું સ્વયંભૂ પ્રાગટય થયું. ક્ષેત્રપાળ ભૈરવજીની સ્થાપના ભૂગર્ભમાં કરાઇ હતી. આમ, વૃક્ષોને અધોગતિમાં જતા ઉગારી દેવાયા.

કૈલાશનગર સ્થિત આ ક્ષેત્રપાળ દાદા મંદિરમાં દર વર્ષે હનુમાન જયંતીએ હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે. જોકે, ચાલુ વર્ષે લોકડાઉનની સ્થિતિ વચ્ચે પહેલીવાર હનુમાન જયંતીએ મંદિરના દ્વાર ભકતો માટે બંધ રહેશે.

મંદિરના મહંત રાકેશ મહારાજે જણાવ્યું હતું કે, દર વર્ષે હનુમાન જયંતીએ સવારે આરતી-પૂજા, બપોરે નૈવેદ્ય થાળ, હનુમાન યાગ, સાંજે સુંદરકાંડ, ર૭ હનુમાન ચાલીસા, સાંજે શયન આરતી અને પછી રાત્રિએ ભજન સંધ્યાનું આયોજન કરાતું. હનુમાન યાગમાં ૧રપ૦૦ આહુતિ અપાતી રહી છે.

(4:55 pm IST)