Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સુરતમાં અતિ સંવેદનશીલ તબક્કો શરૂ થઇ ગયો

માસ્ક વગર જાહેરમાં ફરતા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહીઃ બંછાનીધી પાની : કોરોનાને નાથવા સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ ફરજિયાત, ર૪ કલાક કામગીરી માટે વોર રૂમ તૈયાર

રાજકોટ : સુરત પાલિકા કમિશનર શ્રી બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે શહેરમાં એક સાથે ત્રણ દર્દીઓ કોરોના પોઝિટીવ આવતા અત્યંત સંવેદનશીલ બીજા તબકકાનો આરંભ થઇ ગયો છે. આ ખૂબ જ મહત્વનો તબકકો છે અને શહેરના તમામ લોકોએ ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવાનો છે. માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરતા લોકો સામે પાલિકા શિક્ષાત્મક કાર્યવાહી કરશે. કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે પાલિકામાં વોર રૂમ તૈયારી કરી દેવાયો છે અને તંત્ર ર૪ કલાક કામગીરી કરવા તૈયાર છે.

શ્રી બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે આજે જે ત્રણ પોઝીટીવ દર્દી આવ્યા છે તે પૈકી બે લોકલ ટ્રાન્સમિશન છે. લોકલ ટ્રાન્સમિશન નહીં ફેલાય તે માટે જ એપીએમસી માર્કેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા સતત ત્રણ દિવસ સુધી એક પણ પોઝીટીવ કેસ આવ્યો નહોતો જયારે આજે ત્રણ પોઝીટીવ કેસ મળ્યા છે. હાલના સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવામાં નહી આવે તો કપરા દિવસો આવશે. આજથી આપણે કોરોના વાઇરસના બીજા અને સૌથી મહત્વના તબકકામાં પ્રવેશી ગયા છે. આ તબકકો ખૂબ સાચવવાનો છે. જે વ્યકિત પોઝિટીવ આવે છે તેના સંપર્કમાં આવેલા તમામ લોકો ખાસ કાળજી રાખે. હવે જે તબકકો શરૂ થયો છે તે માટે ખૂબ કાળજી જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્વનું છે. તેનો અમલ નહી કરવાને પાલિકા દંડ ફટકારશે. જે લોકો ઘરની બહાર નીકળે છે તેઓ ફરજિયાત માસ્ક વગર બહાર નીકળનારને પાલિકા દંડ ફટકારશે. શહેરના તમામ લોકો સાથે રહીને આ અદ્રષ્ય શત્રુ સામેની લડાઇ જીતીશું.

કોરોના વાઇરસને નાથવા માટે પાલિકાના દરેક ઝોન દ્વારા રાહત કેમ્પ શરૂ કરવાથી માંડીને ફુડ પેકેટ વિતરણ સહિતની વિવિધ કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે દરેક ઝોનને રૂ. રપ થી પ૦ લાખની ફાળવણી કરવામાં આવી છે.

અન્ય રાજયમાંથી આવેલા લક્ષણ દેખાય તો તરત હોસ્પિટલ પહોંચે

કમિશનરે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં જે વ્યકિતઓએ મહારાષ્ટ્ર કે મુંબઇ અથવા અન્ય રાજયની મુલાકાત લીધી હોય તેવા લોકોને તાવ, ડાયેરિયા કે શ્વાસ લેવાની તકલીફ થાય તો તાત્કાલીક તેઓ નવી સીવીલ હોસ્પિટલ કે અન્ય હોસ્પિટલનો સંપર્ક કરે. જે કુટુંબમાં ૬૦ વર્ષથી મોટી વ્યકિત રહે છે તેમની ખાસ કાળજી લેવાની છે.

પાલિકાએ સમગ્ર શહેરના દરેક રહેણાંક મકાનોમાં ફરીને ડોર ટુ ડોર સરવે કર્યો છે. આ સરવેમાં ૭પ૦૦ કરતા વધારે લોકો શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો ધરાવે છે. આ પૈકીના જે લોકોની હાલત વધારે ખરાબ હતી તેમને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

પાલિકા દ્વારા હાલમાં સમરસ હોસ્ટેલ ખાતે એક હજાર બેડની કવોરન્ટાઇન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સિવાય સ્મીમેર હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડ તૈયાર થઇ રહ્યો છે. આ ઉપરાંત વેસુ ખાતે પણ કવોરન્ટાઇન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

(4:28 pm IST)