Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

અંતે અમદાવાદમાં અડધો ડઝન આધુનિક ડ્રોનનો આવિષ્કાર

મિસ્ટર ઇન્ડીયા માફક અધિકારીઓ નહિ દેખાય પરંતુ તેમના અદ્રશ્ય અવાજો ગુંજવા લાગશેઃ એકનું એક વાહન સંખ્યાબંધ સીસીટીવીમાં કેદ થયે કંટ્રોલ રૂમમાં ભયજનક નિશાનીઓ ખાસ મશીન પર ચાડી ખાઇ જશે : ટ્રાયલ દરમિયાન જ અગાશીમાં છુપાઇ જુગાર રમનારા ઝડપાયાઃ ગુજરાતમાં પ્રથમ વખત ટોળાની નજીક ન જવુ પડે તે માટે ૭૦ મેગાફોનો અપાયા : અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે અકિલા સાથે આધુનિક ડ્રોનની અદભુત કથા વર્ણવે છે

રાજકોટ, તા., ૬: સમગ્ર ગુજરાતમાં લોકડાઉનના કડક અમલ અર્થે ચોરી છુપીથી બહાર નિકળતા કે અગાસીમાં જઇ ટહેલતા લોકોના જીવ બચાવવા સાથે સ્મશાનમાં કે વાડીઓમાં જઇ જુગાર રમતા લોકોને શોધી કાઢવા માટે વપરાતા ડ્રોનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્રાંતીકારી ફેરફારો અડધો ડઝન નવા પ્રકારના ડ્રોનનો લાંબી મથામણ બાદ આવિષ્કાર પુર્ણ થયાનું અને હવે આધુનિક ડ્રોનથી સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવ્યા સાથે તેઓએ જણાવેલ કે અમદાવાદના સંખ્યાબંધ કેમેરામાં એકનું એક વાહન અવાર નવાર નજરે પડશે તો પોલીસ કંટ્રોલ રૂમમાં રાખવામાં આવેલ ખાસ મશીનમાં ભયજનક રેડ નિશાન દેખાય અને મશીનમાં ચીચીયારીઓ થવા લાગશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે અકિલા સાથેની વાતચીતમાં રસપ્રદ વિગતો વર્ણવતા જણાવ્યું હતું.

આધુનિક આવિષ્કાર કરાયેલા ડ્રોન અંગે તેઓએ જણાવેલ કે ટોળામાં અચાનક એકઠા થયેલા લોકોને જોઇ ડ્રોન દ્વારા તાકીદ આપવામાં આવશે કે 'સહુ પોતાના ઘરમાં ચાલ્યા જાવ નહિતર ધરપકડ કરવામાં આવશે' લોકોને ફકત અવાજ સંભાળશે ચેતવણી આપનાર અધિકારીઓ મિસ્ટર ઇન્ડીયા જેમ દ્રષ્ટિગોચર થશે નહિ, અજયકુમાર તોમરએ વિશેષમાં જણાવેલ કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અડધો ડઝન આધુનિક ડ્રોનનું નિર્માણ થયું છે તેવા આ ડ્રોન દ્વારા લોકો વચ્ચે અંતર નહિ હોય તો તેઓ તુર્ત જ કેદ થઇ જાશે. આ ઉપરાંત ગુગલ મેપનો ઉપયોગ કરી ડ્રોનના સમન્વય દ્વારા ચુસ્ત સર્વેલન્સ પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાના માર્ગદર્શન હેેઠળ રખાયાનું પણ અજયકુમાર તોમરેે જણાવ્યું હતું. તેઓએ વિશેષમાં જણાવેલ કે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં હાલ વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે.

તેઓએ જણાવેલ કે એક જગ્યાએ ધાબા પર લોકો જુગાર રમતા હતા પરંતુ ૪ થી વધુ શખ્સો ન હતા એટલે તેઓને શોધી જુગાર ધારા હેઠળ ગુન્હો પણ દાખલ કરવામાં આવ્યો છે. તેઓએ વિશેષમાં જણાવેલ કે રાજયમાં પ્રથમ વખત અમદાવાદ પોલીસ લોકોની બિલકુલ નજીક ન જવુ પડે અને દુરથી જ ટોળાને સુચના આપી શકે તે માટે ૭૦ જેટલા મેગા ફોન પણ આપવામાં આવ્યા છે.

વિનામુલ્યે વિતરણ થનાર માસ્કનું ઉત્પાદન અટકે નહિ તે  માટે અજયકુમાર તોમરે કાપડ ઘર સુધી પહોંચતું  કરાવ્યું

જાણીતા ફેશન ડીઝાઇનર અને મહિલા તબીબ સ્પે.પોલીસ કમિશ્નરની કામગીરીના મ્હોંફાટ વખાણ કરી રહયા છે

રાજકોટ, તા., ૬: માસ્કની તંગી અને  તેના કાળાબજાર થતા જોઇ લોકોને વિના મુલ્યે આવા માસ્ક મળે તે માટે જાણીતા ફેેશન ડિઝાઇનર મુદીતાને  અમદાવાદના વીએસ હોસ્પીટલના ડો.ભુમીએ સુચન કર્યુ. મુદીતાએ આ ચેલેન્જ ઉપાડી અને યોગેશભાઇ જેઠવાની મદદથી માસ્ક બનાવવાનું શરૂ કર્યુ. ૫૦૦ માસ્ક બનાવ્યા બાદ કાપડ પુરૂ થયું.

મુદીતાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને વિનંતી કરી નરોડા ખાતેની વિમલ ઇન્ડસ્ટ્રીઝમાંથી  ફોન આવ્યો કે જોઇએ તેટલું કાપડ લઇ જાવ પરંતુ લેવા આવવાની વ્યવસ્થા તમારે કરવી પડશે. આ અંગે વાહનની પરમીશન માટે સ્પે. પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, હું છુટ આપુ તો કાયદાનો ભંગ થાય પરંતુ તમારૂ કામ લોકહિતાર્થે હોવાથી હું પોલીસવાનમાં કાપડ લઇ તમને પહોચાડી દઇશ અને આમ કાપડ ઘર સુધી પહોંચાડી માસ્કનું ઉત્પાદન અટકવા ન દીધું. આ બાબતે અજયકુમાર તોમરે અકિલાને જણાવેલ કે અત્યારે તો લોકોની સેવા કરવાની સહુને તક મળી છે ત્યારે મને મળેલી આવી તકનો હું સદઉપયોગ કરૂ તે મારી ફરજ છે. મેં બીજુ કઇ કર્યુ નથી.

(3:15 pm IST)