Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કિન્નરોએ દાપું ઓછુ મળતા પિતાનું માથુ દિવાલમાં અથડાવ્યું: હાલત નાજુક

સુરતમાં પુત્રની જન્મની ખુશી દુઃખમાં ફેરવાઇ

સુરતઃ  ગોડાદરામાં બે દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉદ્યરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા ઉશ્કેરાઇ ગયેલા બે કિન્નરોએ યુવકને માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધુ હતું. કિન્નરોએ કરેલા હુમલા બાદ યુવક બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં તેની હાલત હાલ નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બનાવને પગલે પુત્ર જન્મની ખુશીઓ મનાવી રહેલો પરિવાર હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. ગોડાદરા માનસરોવર સોસાયટી ખાતે રહેતા ગેહરીલાલ કસ્તુરી ખટીક(૩૨)ગીતાંજલી પેટ્રોલ પંપ પાસે પાનનો ગલ્લો ચલાવે છે.

 તેમને સંતાનમાં બે પુત્રીઓ હતી અને ચાર દિવસ પહેલા તા.૩૧મીએ તેમના દ્યરે પુત્રનો જન્મ થયો હતો. પરિવારમાં પુત્રના જન્મની ખુશીનો માહોલ હતો. ગેહરીલાલને ત્યાં પુત્રનો જન્મ થયો હોવાની જાણ કેટલાક કહેવાતા કિન્નરોને થતા મંગળવારે સવારે એક રિક્ષામાં બે કથિત કિન્નર તેમના ઘરે પહોંચી ગયા હતા અને રૂ.૨૧ હજાર દાપું માગ્યું હતું. બાદમાં આખરે પિતાએ લોકો પાસે ઉછીના લઈને બન્ને કિન્નરોને રૂ.૭ હજાર આપ્યા હતા. જોકે રૂપિયા લીધા બાદ પણ કિન્નરોએ બેફામ વાણી વિલાસ કર્યો હતો અને અર્ધ નગ્ન પણ થયા હતા અને તમાશો કર્યો હતો. માત્ર એટલું જ નહીં ગેહરીલાલને માર માર્યા બાદ તેમનું માથું દિવાલ સાથે અફડાવી દીધું હતું. માથું દિવાલ સાથે અથડાતાં ગેહરીલાલને માથામાં ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી કિન્નરો ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ગેહરીલાલના પત્ની મંશાબેને લિંબાયત પોલીસમાં ત્રણ કિન્નરો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશીશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 બેભાન થયેલા ગેહરીલાલને તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં ખસેડાયા હતા. જયાં તેમના મગજની નસ ફાટી જતા આઇસીયુમાં દાખલ કરાયા છે. ગેહરીલાલની હાલત હાલ નાજુક હોવાનું તબીબોએ  જણાવ્યું હતું. 

(1:02 pm IST)