Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વડોદરાના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાના પુત્રની એજન્સીના કમર્ચારીઓ ચોરી કરતા રંગેહાથ ઝડપાયાઃ ૨પ સિલીન્ડર-ટેમ્પો-સાધનો જપ્ત કરતો પુરવઠા વિભાગ

અમદાવાદ :વડોદરામાં ભાજપના MLA જીતેન્દ્ર સુખડીયાના પુત્રની એજન્સીના કર્મચારીઓઓ ગેસ કાઢતાં રંગેહાથ ઝડપાયા છે. પુરવઠા વિભાગે ધારાસભ્યના પુત્રની એજન્સીમાંથી 25 ગેસ બોટલ તથા સાધનો કબજે કર્યાં છે. કૌભાંડ બાદ લોકોએ ગેસ એજન્સીનું લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવાની માંગ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પુરવઠા તંત્રને બાતમી મળી હતી કે, સમા વિસ્તારમાં આવેલી હેપ્પી હોમ ગેસ એજન્સીમાં ગેસ ચોરી થઈ રહી છે. ગેસ એજન્સી વડોદરાના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાનો પુત્ર હિરેન સુખડીયા દ્વારા ચલાવવામાં આવે છે. તો બીજી તરફ, એજન્સીના ડિલીવરી બોય સામે પણ ભૂતકાળમાં અનેક ફરિયાદો ઉઠી હતી. સમા વિસ્તારના રહીશોએ ફરિયાદ હતી કે, એજન્સીના ડિલીવરી બોય ગેસ સિલેન્ડર સાથે ચેડા કરે છે અને તેમને ઓછો ગેસ મળે છે. ત્યારે પુરવઠા વિભાગની તપાસમાં હેપ્પી હોમ ગેસના કર્મચારીઓ રંગેહાથે ગેસ ચોરતા પકડાયા હતા.

પુરવઠા વિભાગના 3 ઈન્સ્પેક્ટર તેમજ તોલમાપ ખાતાના અધિકારીઓએ સમા વિસ્તારમાં આવેલી એજન્સીમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગેસ એજન્સીના ડિલીવરી બોય પંકજ પરમાર અને ટેમ્પોનો ક્લીનર ભાવેશ માછી એલપીજી સિલેન્ડરમાંથી પાઈપ તથા અન્ય સામગ્રી દ્વારા ગેસ કાઢતા રંગે પકડાયા હતા. પુરવઠા વિભાગે સ્થળ પરથી 25 સિલેન્ડર, ટેમ્પો, ગેસ રિફીલિંગ કરવાના સાધનો સહિત એક લાખ રૂપિયા કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એજન્સીનું ગોડાઉન શહેરના છેવાડે કોટાલી ગામે આવેલું છે. પરંતુ ગોડાઉનમાંથી નીકળતા સિલેન્ડરને ગ્રાહકો સુધી પહોંચાડતા પહેલા તેમાંથી ગેસ કાઢી લેવામાં આવતો હતો. એક જાગૃત નાગરિક દ્વારા વિશે પુરવઠા વિભાગમાં જાણ કરવામાં આવી હતી.

(5:45 pm IST)