Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

નલિયામાં પારો ૧૧ ડિગ્રીથી નીચે : ઠંડીનો ચમકારો રહ્યો

નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૦.૫ ડિગ્રી નોંધાયું : અમદાવાદ શહેરમાં ઠંડી વધવા સાફ સંકેતો : પારો ૧૮.૯ ડિગ્રી : વધતી ઠંડી વચ્ચે લોકોને સાવધાન રહેવાની જરૂર

અમદાવાદ, તા.૧ : દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો છે. ડાંગ, આહવામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો હતો. આના લીધે ઠંડીમાં વધારો થયો છે. લઘુત્તમ તાપમાનમાં હવે દિન પ્રતિદિન ઘટાડાનો સિલસિલો પણ શરૂ થયો છે. નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે પારો આંશિકરીતે વધ્યો હતો પરંતુ આજે પણ લઘુત્તમ તાપમાન ૧૦.૫ ડિગ્રી રહ્યું હતું. ભુજમાં ૧૩.૨ અને ડિસામાં ૧૭.૪ સુધી પારો રહ્યો હતો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૮.૯ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં પરંતુ તાપમાનમાં ત્યારબાદ ઘટાડો થઇ શકે છે. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. 

                     મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં લોકો ફિટનેસને જાળવવા માટે પણ વધુ સાવધાન બન્યા છે અને ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે. ઠંડીનો ચમકારો વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે નહીં. જો કે, નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે પારો વધ્યો હતો. હજુ નલિયામાં પારો ગગડે તેવા સંકેત છે. અમદાવાદમાં પારો આવતીકાલે વધુ ઘટે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.  ઠંડીની શરૂઆત થતા ફિટનેસ જાળવવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી જરૂરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

           હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જો કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. 

ક્યાં કેટલું તાપમાન.....

સ્થળ.......................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૧૮.૯

ડિસા............................................................ ૧૭.૪

ગાંધીનગર................................................... ૧૮.૬

વડોદરા.......................................................... ૨૦

સુરત........................................................... ૨૧.૬

વલસાડ....................................................... ૨૦.૧

ભાવનગર....................................................... ૨૦

પોરબંદર..................................................... ૧૮.૫

રાજકોટ....................................................... ૧૫.૪

સુરેન્દ્રનગર.................................................. ૧૬.૫

મહુવા.......................................................... ૧૯.૩

ભુજ............................................................. ૧૩.૨

નલિયા........................................................ ૧૦.૫

કંડલા એરપોર્ટ............................................. ૧૫.૧

(9:38 pm IST)