Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

અમદાવાદમાં ટ્રાફિકનો દંડ ભરવા મામલે મિત્રની હત્યા :મિત્રની બાઈક ચલાવવા લઇ ગયો હતો મૃતક

ટ્રાફિક પોલીસે દંડ કરતા બાઈક જમા લીધેલ :મિત્રએ બાઈક છોડાવી હતી પરંતુ દંડના અડધા રૂપિયા આપવાનો વાયદો કર્યા બાદ નહીં આપતા મામલો હત્યા સુધી પહોંચ્યો

અમદાવાદ : નવા ટ્રાફિક નિયમો અને આકરા દંડની જોગવાઈને કારણે લોકો આર્થિક ત્રાસ વેઠી રહ્યાં છે ત્યારે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનતા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. ફરિયાદી સુરેશ ભાઈએ ફરિયાદ લખાવી છે કે આરોપી મયુરે તેના ભાઈ ગિરીશ પરમારની દંડ ભરવા બાબતે હત્યા કરી નાખી છે.
         પોલીસે ફરિયાદ લીધી છે અને આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કેહવું છે કે અમૃત ભાઈ પરમાર જે ગિરીશના મિત્ર છે અને તેમને પોતાની બાઈક ગિરીશને આપી હતી. અને તે બાઈક ગિરિશે મયુરને ચલાવવા માટે આપી હતી.
મયુરને ટ્રાફિક પોલીસે દંડ કરતા બાઈક જમા લીધી હતી અને બાઈક અમૃત છોડાવી હતી પરંતુ દંડના અડધા રૂપિયા મયુરે આપવાનો વાયદો કર્યો હતો પરંતુ તે આપતો ન હતો. આ બાબતે ગિરીશ, મયુર અને અમૃત 30 નવેમ્બરના રોજ ગોમતીપુરમાં ભેગા થયા હતા. અમૃત દ્વારા મયુર પાસેથી રૂપિયા માંગવામાં આવ્યા પરંતુ મયુર રૂપિયા નહીં આપી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ગિરીશ વચ્ચે પડતા મયુરે તેને ગાળો બોલી માર માર્યો હતો.
ગિરીશને ગંભીર ઇજા થઈ જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ) લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(5:30 pm IST)