Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

સુરત નજીક તળાવમાં ડૂબી જતાં બે વિદ્યાર્થીઓના મોત

ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના મોતથી આઘાતનું મોજુ : ડુબવાની ઘટનામાં અન્ય બે વિદ્યાર્થીઓનો સહેજમા બચાવ

અમદાવાદ, તા.૩૦ :      સુરતના વેસુ-અલથાણ વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલ પાસેના તળાવમાં ન્હાવા પડેલા વિદ્યાર્થીઓ પૈકી બે પાણીમાં ડૂબી જતાં કરૂણ મોતને ભેટયા હતા. મૃતકો બંને ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવતાં સુરતના શિક્ષણજગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ંબંને વિદ્યાર્થીઓના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા અને પોલીસે બંનેના મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. સિવિલ હોસ્પિટલમાં ઓળખ થયેલા એક મૃતકનું નામ કિશન આપ્ટે(ઉ.વ.આ.૧૬) પાંડેસરાના કર્મયોગી સોસાયટી-૩માં રહેતો હોવાનું અને ધોરણ ૧૦નો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. શાળાએથી કિશન બારોબાર ફરવા નીકળી ગયો હતો.

કિશનના પરિવારમાં પિતાનું મોત થયા બાદ મોટાભાઈ અને માતા ઘર ચલાવે છે અને પરિવારમાં એક નાની બહેન પણ છે જે કિશનના મોત બાદ શોકમાં ગરક થઈ ગયા છે. અલથાણના તળાવમાં ન્હાવા પડેલા કિશનનો પગ લપસ્યો અને તેનો મિત્ર રાહુલ તેનો હાથ પકડવા માટે ગયો હતો.  જો કે, બંને જણાં બેલેન્સ ગુમાવતાં તળાવના પાણીમાં ડૂબી ગયા હતા. મૂળ યુપી બનારસના વતની અને પાંડેસરાની હરિઓમનગર સોસાયટીમાં રહેતા રામ અવતાર યાદવના ચાર દીકરામાંથી સૌથી નાનો રાહુલ હતો. આમ રાહુલ અને કિશન નામના વિદ્યાર્થીઓના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજયા હતા, જયારે અન્ય બે વિદ્યાર્થીઓ બચી ગયા હતા. તમામ વિદ્યાર્થીઓ પાંડેસરાની દેવકીનંદન સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં.

(8:42 pm IST)