Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

કોંગ્રેસ જનવેદના આંદોલનનો પ્રાંરભ : જોરદાર દેખાવ કરાયા

કોંગ્રેસના હજારો કાર્યકરો રેલી, સભામાંમ ઉમટયા : બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ, ખેડૂતોને પાક વીમા ચૂકવણી માંગ, મોંઘવારીના વિરોધમાં દેખાવો

 અમદાવાદ, તા.૩૦ : રાજયમાં બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગંભીર ગેરરીતિઓ, ખેડૂતોને પાક વીમાની ચૂકવણી નહી થતાં તાત્કાલિક વળતર સહિતની વિવિધ માંગણીઓ અને કારમી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આજથી ભાજપ સરકારની વિરૂધ્ધમાં અને રાજયની પ્રજાના સમર્થનમાં રાજયવ્યાપી જનવેદના આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સહિતના અનેક મોટા નેતાઓ અને સ્થાનિક આગેવાનો અને હજારો કાર્યકરો સાથે આજે કોંગ્રેસે વિશાળ રેલી અને સરઘસ કાઢી સુભાષબ્રીજ સ્થિત કલેકટર કચેરી ખાતે ઉગ્ર દેખાવો અને ધરણાં યોજયા હતા. જયાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. કોંગ્રેસની વિશાળ રેલી અને સભા-સરઘસને લઇ આરટીઓથી વાડજ જતા બંને તરફના બ્રીજ પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

                કોંગ્રેસના સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓના નેજા હેઠળ કોંગ્રેસ અને એનએસયુઆઇના હજારો કાર્યકરો રેલી સ્વરૂપે હાથમાં વિશાળ બેનરો, પ્લે કાર્ડ સાથે અને સૂત્રોચ્ચાર કરતાં સુભાષબ્રીજ કલકેટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ઉગ્ર દેખાવો યોજયા હતા. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ સરકાર વિરોધી નારા લગાવીને વાતાવરણ ગજવી મૂકયુ હતુ. બીજીબાજુ, રાજ્યમાં દારૂબંધીને લઇને રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે ફરી એકવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી પર નિશાન સાધ્યું હતું. અશોક ગેહલોતે કહ્યું કે દારૂબંધી ગુજરાતમાં સદંતર નિષ્ફળ છે અને ગુજરાતની યુવા પેઢી બરબાદ થઇ રહી છે. ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પીવાય છે તેનો અર્થ એ નથી કે, બધા ઘરમાં દારૂ પીવાય છે પરંતુ દારૂબંધીનો ગુજરાતમાં કોઇ અમલ છે જ નહી.

                 રાજયના મુખ્યમંત્રીએ ખરેખર એવું કરવું જોઇએ કે, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, હરિયાણાનો સંપર્ક કરીને કોઇપણ કિંમતે તમારા રાજયોમાંથી દારૂની એન્ટ્રી થવી ના જોઇએ પરંતુ તેમ કરવાના બદલે મુખ્યમંત્રી રૂપાણીએ મારા અગાઉના નિવેદનને તોડી મરોડીને રજૂ કરી મેં ગુજરાતીઓનું અપમાન કર્યું છે તેમ કહી જૂઠ્ઠાણું ચલાવ્યું હતું. સીએમ રૂપાણીને માત્ર રાજનીતિમાં જ રસ છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂ બંધી માત્ર નામની છે ત્યાં ઘરે-ઘરે દારૂ પીવાય છે એ મતલબના કરેલા નિવેદનને લઇને ઘણો વિવાદ થયો હતો અને રાજકારણ ગરમાયું હતુ ત્યારે આજે અશોક ગેહલોતે થોડી સ્પષ્ટતા અને કલીયારિટી સાથે આ જ નિવેદનને રજૂ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં બાકી રાખ્યું ન હતું. આમ ગુજરાતમાં દારૂબંધી મુદ્દે વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવતી હોવાનો દાવો માત્ર કાગળ પર જ હોય તેવું વારંવાર સામે આવ્યું છે. રાજ્યભરમાં દારૂની હેરાફેરી માટે બૂટલેગરો દ્વારા નવા-નવા નુસખા અપવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. કોંગ્રેસને આવા નિવેદન કરવાની તક મળી જાય છે.

(9:17 pm IST)