Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

શહેરના ઘણા વિસ્તારમાં હવે પાણીને લઇને થયેલ ફરિયાદ

પકવાન પાસેની મેઇન ટ્રંક લાઇનમાં ભંગાણ : થલતેજ, બોડકદેવ તેમજ વેજલપુરમાં પાણીની ફરિયાદ

અમદાવાદ, તા.૩૧ : શહેરના પશ્ચિમ ઝોન અને મધ્યમ ઝોનમાં કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્રેન્ચવેલ વચ્ચે જોડાણની કામગીરીમાં વાલ્વના સેટિંગમાં સમસ્યા સર્જાતાં પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનમાં પાણીની બૂમ ઊઠી છે. હજુ ત્રણ દિવસ આ બંને ઝોનના લોકોને ઓછો વધતો પાણી કાપ સહેવો પડશે. ત્યારે હવે વેજલપુર, બોડકદેવ, થલતેજ સહિતના નવા પશ્ચિમ ઝોનમાં પાણીનો કકળાટ સર્જાયો છે. પકવાન ચાર રસ્તા પાસેની મેઇન ટ્રંક લાઇનમાં ભંગાણ સર્જાતા આ વિસ્તારોમાં પાણીની બૂમ ઉઠી હતી, જેને લઇ સ્થાનિક રહીશો અકળાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કોતરપુર ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઈસ્ટર્ન ટ્રંક મેઈન્સ લાઈન સાથે ફ્રેન્ચવેલની પાઈપલાઈન સાથેની જોડાણની કામગીરીમાં તંત્ર અણધડ પુરવાર થયું છે. ખરેખર તો ગયા બુધવાર સુધીમાં આ કામગીરી આટોપી લઈને નાગરિકોને રાબેતા મુજબનો પાણીનો પુરવઠો પૂરો પાડવાનો હતો, પરંતુ હજુ પણ પશ્ચિમ ઝોન અને મધ્યમ ઝોનના લોકો અપૂરતાં પાણીથી પરેશાન છે. બીજી તરફ પશ્ચિમ ઝોન અને મધ્યમ ઝોન બાદ હવે નવા પશ્ચિમ ઝોનનો પાણીના કકળાટના મામલે વારો આવ્યો છે. આ ઝોનના વેજલપુર, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં નાગરિકો સવારથી પાણીના ઓછા પ્રેશરથી પરેશાન છે. અમુક છેવાડાના વિસ્તારમાં તો અઘોષિત ૩૦ ટકા પાણી કાપ મુકાયો છે. આજે નાગ પાંચમના તહેવારના દિવસે પશ્ચિમ ઝોન અને મધ્યમ ઝોનની જેમ નવા પશ્ચિમ ઝોનના હજારો લોકોને પાણી કાપ સહેવો પડ્યો છે. ગઈકાલે રાત્રે બોડકદેવના પકવાન ચાર રસ્તા પાસે ગઈ કાલે સાંજે વેસ્ટર્ન ટ્રંક લાઈનમાં લીકેજ થયું હતું. રિપેરિંગની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. જેના કારણે આજે નવા પશ્ચિન ઝોનમાં સવારથી પાણીની બૂમ ઊઠી છે. જેને લઇ સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓએ તહેવારમાં પાણીની આ પ્રકારની સમસ્યાને લઇ તંત્ર પર ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

(8:11 pm IST)