Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

આરોપીને દંડ અથવા જામીનની રકમ કોર્ટમાં નહીં પરંતુ કેરળ મુખ્‍યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવા કોર્ટનો આદેશ

અમદાવાદઃ 24 ઓગસ્ટ 2018થી જ્યારે ગુજરાત હાઈકોર્ટે માનવતાવાદી અભિગમ સાથે જાહેર કર્યું કે તેઓ કેરળ પૂર અસરગ્રસ્તો માટે ફંડ ભેગુ કરશે. ત્યારથી રાજ્યની અલગ અલગ કોર્ટ આ કામમાં લાગી ગઈ છે અને આ ફંડ માટે કોર્ટે એક નવતર રસ્તો પણ શોધી કાઢ્યો છે. રાજ્યની કોર્ટ્સ આરોપી કે ગુનેગારને દંડ અથવા જામીનની રકમ કોર્ટમાં નહીં પણ કેરળ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવાવવા આદેશ કરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આવા 3 કેસ સામે આવ્યા છે. બે વડોદરા અને એક અમદાવાદમાં જેમાં કુલ મળીને રુ.26000 રાહત ફંડમાં ડિપોઝિટ કરવા માટે જણાવી રહી છે.

વડોદરાનો કેસ જોઈએ તો નશાખોરીના કેસમાં ગુરુવારે કોર્ટે આરોપીને જામીન તો આપ્યા પણ જામીન માટેની રકમ રુ. 11,000 કેરળ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો. વડોદરાના શિનોર ખાતે નશાના ગુનામાં નિચલી કોર્ટે પ્રદીપ ઉર્ઝે જાડિયા ઠક્કર વિરુદ્ધ વોરંટ ઇશ્યુ કર્યું હતું. જેના માટે તેણે જામીન અરજી કરી હતી જોકે કોર્ટે તેને નામંજૂર કરતા ઠક્કરે સેશન કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે શરતી જામીન આપતા રુ.25000 જામીન પેટે અને રુ. 11000 રિલિફ ફંડમાં જમા કરાવવા આદેશ કર્યો હતો.

જ્યારે બીજા બે કેસમાં વડાદરા સેશન કોર્ટ અને અમદાવાદ સિટી સેસન કોર્ટે આરોપીને નિચલી કોર્ટના ચુકાદાને ચેલેન્જ કરવામાં મર્યાદા કરતા વધુ સમય વીતિ જવા બાદ પણ તેમની અરજીને માન્ય રાખવા માટે અનુક્રમે રુ.10000 અને રુ.5000 આ ફંડમાં જમા કરાવવા માટે આદેશ કર્યો હતો.

વડોદરા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ જે.સી. દોશીએ કહ્યું કે, ‘હાલમાં કેરળમાં આવેલ ત્રાસદીને જોતા આપણી ફરજ બને છે કે આપણા તમામ ભાઈઓ અને બહેનોને આપણે સહાય કરીએ.’ જ્યારે વડોદરા સેશન કોર્ટે અમદાવાદના નિવાસી અમૃત પટેલ અને અન્ય પાંચ વ્યક્તિઓને નિચલી કોર્ટના ચુકાદાને વિરુદ્ધ મોડી અરજી કરવાના ભાગ રુપે કોર્ટે રુ.10000 કેરળ રાહત ફંડમાં જમા કરાવવા જણાવ્યું હતું.

જ્યારે અમદાવાદ શહેર સેશન કોર્ટે જીવન શૈન(55)ને પણ નિચલી કોર્ટના આદેશને નિશ્ચિત સમય મર્યાદા પસાર થઈ ગયા બાદ મોડેથી ચેલેન્જ કરવા માટે રુ. 5000 કેરળ રાહત ફંડમાં જમા કરાવવા માટે આદેશ કર્યો હતો. તે બાદ તેમની અરજી સ્વીકારવા તૈયારી દાખવી હતી. શૈની વિરુદ્ધ ખોરાખમાં ભેળસેળનો આરોપ છે. જેના માટે ડિસેમ્બર 2017મં મેટ્રોપોલિટન કોર્ટે કેરીના મિલ્કશેકમાં કૃત્રિમ કલર ભેળવવા માટે 6 મહિનાની જેલ અને રુ.1 લાખોન દંડ કર્યો હતો. જોકે શૈનિએ આ આદેશને સમય મર્યાદા બાદ પણ 78 દિવસ પછી અપીલ કરી હતી. જેથી એડીશનલ સેશન જજ સી.એસ. અધ્યારુએ રુ. 5000 રાહત ફંડમાં ભરવા જણાવી અરજી સ્વીકારતા કહ્યું કે, ‘આ પ્રકારે ન્યાયનો હેતુ સર થશે.’

(5:50 pm IST)