Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અમદાવાદમાં ટ્રાફિક ઝુંબેશની કામગીરી દરમિયાન પ૩ પોલીસમેન પણ ઝપટે

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે નબળા ટ્રાફિક મેનેજમેન્ટ માટે પોલીસને ફટકાર લગાવી, જેના પગલે શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંહને કોર્ટમાં હાજર રહેવું પડ્યું હતું. ત્યારે હવે પોલીસે ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે પૂરજોશમાં કામગીરી શરૂ કરી છે. પરિણામ સ્વરૂપે ગુરુવારે સવારે માત્ર 3 કલાકમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 53 પોલીસકર્મીઓના ચલાન ફાડ્યા છે.

ગુરુવારે સવારે રાયખડ પોલીસ લાઈન, એલિસબ્રિજ પોલીસ લાઈન, શાહીબાગમાં પોલીસ કમિશ્નરની કચેરીએ અને ગાયકવાડ હવેલી સ્થિત ક્રાઈમ બ્રાંચ ખાતે પોલીસો ટ્રાફિક નિયમોનું પાલન કરે છે કે નહીં તે જોવા માટે ટ્રાફિક પોલીસને વ્યૂહરચનાત્મક રીતે ગોઠવાઈ હતી. પોલીસ સામેની ડ્રાઈવમાં ઘણાં પોલીસકર્મીઓ ટ્રાફિકનો ભંગ કરતા દેખાયા.

સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, બે સરકારી વાહનચાલકો સામે પણ સીટ બેલ્ટ ન પહેરવા બદલ ગુનો નોંધાયો છે. જેમાં ક્રાઈમ બ્રાંચના વાહનના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા પોલીસકર્મીઓ પાસેથી કુલ 5300 રૂપિયા દંડ વસૂલ્યો છે.

ટ્રાફિક (વેસ્ટ) DCP સંજય ખારટે જણાવ્યું કે, “પોલીસકર્મીઓને પણ ભાન થવું જોઈએ કે ટ્રાફિકનો નિયમ તોડનારા કોઈને પણ બક્ષવામાં નહીં આવે. આ પ્રથમવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસે પોલીસકર્મીઓને દંડ ફટકાર્યો હોય. શહેરમાં ટ્રાફિકની સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટેની વિવિધ ડ્રાઈવ પૈકીની આ એક ડ્રાઈવ છે. જો પોલીસ જ ટ્રાફિક નિયમો નહીં પાળે તો લોકો સુધી ખોટો મેસેજ પહોંચશે.” B ડિવિઝન ટ્રાફિક પોલીસના ACP આકાશ પટેલે કહ્યું કે, “સીટ બેલ્ટ કે હેલ્મેટ ન પહેરનારા પોલીસકર્મીઓને ચલાન આપવામાં આવ્યું છે.”

(5:50 pm IST)