Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જ્વેલરી શો-રૂમ્સમાંથી ૧,૦૦૦ જેટલા કર્મચારીને છૂટા કરાયા

લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે : અમદાવાદના મહત્ત્વના જ્વેલરી બજારોમાં આવેલા વિવિધ શો-રૂમમાંથી કર્મચારીઓની છટણી કરાઈ છે

અમદાવાદ, તા. ૧ : લોકડાઉનના કારણે અર્થતંત્રમાં જોવા મળી રહેલી સુસ્તી અને સોનાના ઐતિહાસિક ઊંચા ભાવની ગંભીર અસર જ્વેલરી બજારમાં જોવા મળી રહી છે. અનલોક-૧.૦નો એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે જૂન મહિનામાં જ અમદાવાદના મહત્ત્વના જ્વેલરી બજારોમાં આવેલા વિવિધ શો-રૂમમાંથી અંદાજે ૮૦૦-૧,૦૦૦ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. જ્વેલર્સ એસોસિયેશન, અમદાવાદના પ્રમુખ રોહિતભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, "શો-રૂમ શરૂ થયાને એક મહિના જેટલો સમય થયો છે પરંતુ સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને બીજી તરફ, લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. હાલના ભાવે જ્વેલરીની ખરીદી અટકી ગઈ છે તેના કારણે જ્વેલર્સ મુશ્કેલી અનુભવી રહ્યા છે. પગાર, લાઈટબિલ, પ્રોપર્ટી ટેક્સ સહિતના ખર્ચ ઉપરાંત બેન્કના હપ્તા પણ ચાલુ છે અને જો મોરેટોરિયમનો લાભ લે તો પણ વ્યાજ ચૂકવવાનું છે તેના કારણે વેપારીઓ પર મોટું ભારણ આવ્યું છે.

           આગામી મહિનાઓમાં પણ વેચાણમાં સુધારાની અપેક્ષા નથી તેથી અનેક જ્વેલર્સે કર્મચારીઓને છૂટા કરવાનું શરૂ કર્યું છે અને જૂન મહિનામાં જ આશ્રમરોડ, સીજી રોડ, શિવરંજની અને શ્યામલ ચાર રસ્તા જેવાં મહત્ત્વનાં સોની બજારોમાં આવેલા શો-રૂમોમાંથી લગભગ ૮૦૦-૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે." આ વિસ્તારોના શો-રૂમ્સ અને હોલસેલર્સ કુલ ૨૦,૦૦૦થી વધુ લોકોનો સ્ટાફ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે સીજી રોડ પર ૨૭૫ અને શિવરંજની-શ્યામલ વિસ્તારમાં ૭૫થી વધારે જ્વેલર્સ અને કુલ ૧૭૫ જેટલા હોલસેલર્સ છે અને અનેક વેપારીઓએ સ્ટાફમાં ઘટાડો કર્યો છે. અમદાવાદમાં જ્વેલરી શો-રૂમમાં સેલ્સપર્સનનો સરેરાશ પગાર૨૦,૦૦૦-૨૫,૦૦૦ હોય છે. એસોસિયેશનના મતે, રિટેલ શો-રૂમ બંધ હોવાના કારણે હોલસેલરો અને કારખાનેદારોની સ્થિતિ કફોડી બની છે. શહેરના રાયપુર, માંડવીની પોળ, માણેકચોક, રતનપોળ સહિતના કોટ વિસ્તારમાં ૧.૫૦ લાખથી વધારે કારીગરો સોની બજાર સાથે સંકળાયેલાછે. આ પૈકી મોટા ભાગના કારીગરો વતન પરત ફરી ગયા છે અને તેના કારણે મોટા ભાગનાં કારખાનાં બંધ છે.

જડતરની જ્વેલરીમાં પણ અમદાવાદ વૈશ્વિક સ્તરે નામના ધરાવેછે પરંતુ હાલમાં જડતરનું કામ કરતા લગભગ ૧.૫૦ લાખથી વધારે કારીગરો પાસે પણ કોઈ કામ નથી. રોહિતભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે વાડજ, અખબારનગર અને ભીમજીપુરા સહિતના વિસ્તારોમાંથી પણ મોટા ભાગના કારખાનાના કારીગરો વતન પરત ફરી ગયા છે એટલે કે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને રાજસ્થાનના જે કારીગરો અમદાવાદના સોની બજારમાં સક્રિય છે તેમની પાસે કોઈ કામ રહ્યું નથી. ઉપરાંત, બાપુનગર વિસ્તારમાં હીરાનાં કારખાનાં પણ મંદીનો સામનો કરી રહ્યા છે.

રોહતિભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, "લોકોની ખરીદીની યાદીમાં સોનું છેલ્લા ક્રમે આવે છે તેથી આ સેક્ટરને હાલના મુશ્કેલીના સમયમાં સરકાર મદદ કરે તે જરૂરી છે. સરકારે લાખો કારીગરોની રોજીરોટી બચાવવા માટે ખાસ યોજના જાહેર કરવી જોઈએ ઉપરાંત ૧૨.૫ ટકા ઈમ્પોર્ટ ડયૂટી અને ૩ ટકા જીએસટીના દરમાં ઘટાડો કરવો જોઈએ જેથી સ્થાનિક બજારમાં સોનાની કિંમત ઘટે અને ગ્રાહકો બજારમાં આવે."

(7:53 pm IST)