Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

તમામ યુનિ.ની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે

આવતીકાલથી GTUની પરીક્ષા લેવાશે : ઓફલાઇન - ઓનલાઇન સહિતના વિકલ્પો આપ્યા : ૫૪ હજાર છાત્રોએ GTUની પરીક્ષા આપવા ઇચ્છા વ્યકત કરી છેઃ અન્ય યુનિવર્સિટી હવે ટુંક સમયમાં કાર્યક્રમ જાહેર કરશેઃ શિક્ષણમંત્રી

ગાંધીનગર તા. ૧ : ગુજરાત રાજ્યમાં આવેલી તમામ યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષા લેવાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. છેલ્લા કેટલાંક દિવસોથી કોરોના મહામારીના કારણે કોલેજોની પરીક્ષા અટવાઈ પડી હતી. પરીક્ષા લેવાશે કે નહીં અને લેવાશે તો કયારે લેવાશે તેવા વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવતા પ્રશ્નો પર આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્ણવિરામ મૂકી દીધું છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજયની તમામ કોલેજોની છેલ્લા વર્ષની પરીક્ષા લેવાશે. આવતીકાલથી GTUની પરીક્ષા પણ શરૂ થશે. અમે વિદ્યાર્થીઓને પરીક્ષાના ત્રણ વિકલ્પ આપ્યા છે. ઓફલાઈન, ઓનલાઈન સહિતના ૩ વિકલ્પ છે. જેમાંથી વિદ્યાર્થીઓએ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અમે આ નિર્ણય વિદ્યાર્થીઓને પરીક્ષામાં તકલીફ ન પડે તેના માટે લીધો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે મળેલી કેબિનેટ બેઠકમાં કોલેજોની પરીક્ષાઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરકારી તમામ કોલેજ યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષા લેવામાં પર ચર્ચા કરી રહી છે. એસપી અને ટીચર્સ યુનિવર્સિટી સારી રીતે પરીક્ષા લીધી છે. જેથી આવતીકાલથી જીટીયુની પરીક્ષાનો પ્રારંભ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આવતીકાલથી ૩૫૦ કેન્દ્ર પરથી જીટીયુની પરીક્ષાનો પ્રારંભ થશે. તમામ વ્યવસ્થા જળવાય તેના માટે યુનિવર્સિટીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે. આ સિવાય પરીક્ષા લેવા, ન લેવા અંગે વિદ્યાર્થીઓનો અભિપ્રાય આપવા જણાવાયુ હતુ.

કોરોનાને કારણે રાજયભરમાં અટવાઈ ગયેલી કોલેજોની પરીક્ષા હવે લેવાશે તેવી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જીટીયુએ પરીક્ષા મામલે સ્ટૂડન્ટ્સને સોશિયલ મીડિયા પર અભિપ્રાય આપવા જણાવ્યું હતું, જેમાં ૫૪ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની ઈચ્છા વ્યકત કરી હતી, જયારે માત્ર ૯૦૦ વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપવા તૈયાર નથી.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ છે કે, જીટીયુ સહિત રાજયની તમામ યુનિવર્સિટીએ ઓનલાઈન તેમજ ઓફલાઈન પરીક્ષાના વિકલ્પ આપ્યા છે. એટલું જ નહીં, જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવાથી વંચિત રહી જાય તો પણ તેને ઓપ્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ, યોગ્ય સેનિટાઈઝેશનનો પૂરેપૂરો ખ્યાલ રાખીને પરીક્ષા લેવામાં આવશે. જીટીયુની પરીક્ષા ૩૫૦ કેન્દ્રો પરથી કાલથી જ શરુ થઈ રહી હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિ. દ્વારા બીજી અને તેરમી જુલાઈથી શરુ થતી પરીક્ષાઓ રદ્ કરાઈ છે. આ પરીક્ષા કયારે લેવાશે તેની પણ કોઈ જાહેરાત નથી કરાઈ. બીજી તરફ, શિક્ષણ વિભાગે પરીક્ષાઓ લેવી કે ના લેવી તેનો નિર્ણય યુનિવર્સિટીઓ પર જ છોડી દીધો છે. જોકે, આજે શિક્ષણ મંત્રીએ પરીક્ષાઓ લેવાશે તેવી જાહેરાત કરતા યુનિવર્સિટીઓ પણ જલ્દીથી તેનો કાર્યક્રમ જાહેર કરે તેવી શકયતા સેવાઈ રહી છે.

(3:07 pm IST)