Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પાકિસ્તાન સાથેના યુદ્ઘ ઉપર બનેલી ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ

સંજયદત્ત સાથેનું પોસ્ટર રિલીઝ કરી અજય દેવગને ટ્વીટ દ્વારા આપી જાણકારીઃ ૭૧ ના યુદ્ઘની ફિલ્મમાં એરફોર્સના સ્કવોડ્રન લીડર વિજય કર્ણીક અને કચ્છની ૩૦૦ મહિલાઓની વીરતાની કથા

ભુજ,તા.૧: કોરોનાને કારણે થિયેટર બંધ હોઈ હવે ઓટીટી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર મલ્ટીસ્ટારર ફિલ્મ રિલીઝઙ્ગ કરવાનું સાહસ નિર્માતાઓ નક્કી કરી રહ્યા છે. તેમાંયે 'ગુલાબો સીતાબો' ને મળેલી સફળતા બાદ હવે નિર્માતાઓની હિંમત વધી છે.

 આવનારા દિવસોમાં અજય દેવગન અને સંજયદત્ત જેવા અભિનેતાઓને ચમકાવતી મલ્ટીસ્ટારર ફિલ્મ 'ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

આ અંગે ફિલ્મના નિર્માતા અને મુખ્ય અભિનેતા એવા અજય દેવગને ટ્વીટ કરી જાતે જ જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'ડિઝની હોટ સ્ટાર' ના ડિજિટલ પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ થશે.

અજય દેવગને ફિલ્મની કથા વિશે પણ માહિતી આપતાં લખ્યું છે કે, ૭૧ ના ભારત પાકિસ્તાન સાથેના યુદ્ઘ દરમ્યાન ઈન્ડિયન એરફોર્સના સ્કવોડ્રન લીડર વિજય કર્ણીક અને કચ્છની ૩૦૦ મહિલાઓની વીરતાની આ કથા છે.

જેમાં ભુજ એરફોર્સના રન-વે ને (હવાઈપટ્ટી) પાકિસ્તાને બોમ્બ દ્વારા ઉડાવી દીધા બાદ કઈ રીતે ટૂંકા ગાળામાં મોતના ભય વચ્ચે આ રન-વે નું પુનઃ નિર્માણ કરાયું. આ ફિલ્મની કથા ગુજરાતી એવા કલ્પેશ દહીયાએ લખી છે. ફિલ્મનું થોડુ શૂટિંગ કચ્છમાં પણ કરાયું છે. (૨૨.૧૯)

(4:44 pm IST)