Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ટકો કરાયેલી બિસુની લાશમાં ગમે ત્યારે ધડાકોઃ એક જૂગારીયાની ઉલટ પુછતાછ

મધ્ય પ્રદેશનો ૧૯ વર્ષનો યુવાન સોમવારે સાંજે ઘરેથી નીકળ્યા બાદ મંગળવારે સવારે ભગીરથ સોસાયટીમાંથી લાશ મળી'તી : બબ્બે પોસ્ટ મોર્ટમમાં પણ મોતનું ચોક્કસ કારણ બહાર ન આવ્યું: ચિઠ્ઠીમાં જે નામ હતું તેવા નામ વાળો એક શખ્સ જૂગારના કેસમાં ભાગતો ફરતો હતોઃ તેને દબોચી લેવાયોઃ બિસુ કુશવાહાની હત્યા થયાની દિશા તરફ આગળ વધી રહેલી તપાસ

 રહસ્યમય મોતને ભેટલા બિસુનો ફાઇલ ફોટો અને મૃતદેહ

રાજકોટ તા. ૧૬: આરટીઓ પાસે જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલા સાગર નગરમાં રહેતાં અને લાદી કામ કરી ગુજરાન ચલાવતાં બિસુ પ્રહલાદભાઇ કુશવાહા (ઉ.૧૯) નામના યુવાનની ટકો કરાયેલી હાલતમાં મળેલી લાશ મામલે પોલીસ ગમે ત્યારે ધડાકો કરે તેવી વકી છે. બિસુ પાસેથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં ભગત, તેની પત્નિ અને પુત્રી તથા પૈસા બાબતનો ગરબડીયો ઉલ્લેખ હતાં. પોલીસે મોતનું કારણ જાણવા લાશનું બબ્બે વખત પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પરંતુ કોઇ ચોક્કસ કારણ જણાયું છે. કોઝ ઓફ ડેથ પણ પેન્ડીંગ રખાયું છે. હૃદય બંધ પડી જવાથી મોત થયું એવું પ્રાથમિક તારણ દર્શાવાયું હતું. જો કે હૃદય કયા કારણોસર બંધ પડ્યું? એ જણાવાયું નથી. બીજી તરફ એક જૂગારીયાને પોલીસે ઉઠાવી ઉલટ પુછતાછ શરૂ કર્યાનું જાણવા મળે છે.

મધ્ય પ્રદેશનો યુવાન બિસુ સોમવારે સાંજે સાડા આઠેક વાગ્યે નાના ભાઇ છોટુને  'હું હમણા લાદીનું માપ લઇને આવું છું' તેમ કહી નીકળ્યા ગયા બાદ મંગળવારે સવારે ભગીરથ સોસાયટી-૧૦ના ખુણેથી તેની ટકો કરાયેલી અને કપડા બદલી નંખાયેલી લાશ મળી આવી હતી. અજાણ્યા યુવાન તરીકે પોલીસે સાદુ પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. પણ લાશની ઓળખ થયા બાદ નાના ભાઇ છોટુ અને પિત્રાઇ ભાઇ સહિતનાએ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરી હતી. તેમજ બિસુની હત્યા થયાની શંકા દર્શાવી હતી. જો કે બીજા પોસ્ટ મોર્ટમમાં પણ મોતનું ચોક્કસ કારણ તબિબો જણાવી શકયા નહોતાં અને વિસેરા લીધા હતાં. તેમજ કોઝ ઓફ ડેથ પણ પેન્ડીંગ રાખ્યું હતું.

મૃતકના નાના ભાઇ છોટુએ એવું પણ કહ્યું હતું કે ભાઇ બિસુને કોઇપણ જાતનું વ્યસન નહોતું, છતાં તેના ખિસ્સામાંથી દારૂની બે કોથળી અને બીડી મળી આવ્યા હતાં. તેની પાસેથી હિન્દી-ગુજરાતીમાં લખેલી એક ચિઠ્ઠીમાં સામા કાંઠે રહેતાં ભગત નામના શખ્સ તથા પૈસાની બાબતનો ઉલ્લેખ હતો.

બિસુ સાથે શું થયું? તેને કોઇએ માર્યો તો શું કામ માર્યો? ટકો કયાં અને કોણે કર્યો? આ સહિતના સવાલોએ રહસ્ય સર્જયું હોઇ બી-ડિવીઝન પી.આઇ. આર. એસ.  ઠાકરની રાહબરીમાં પી.એસ.આઇ. પટેલ, મહેશગીરી, હંસરાજભાઇ, જે. પી. મેવાડા, નિશાંતભાઇ, મહેશભાઇ, દેવેન્દ્રસિંહ, શૈલેષભાઇ, ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બિસુ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં ભગત નામ લખ્યું હોઇ પોલીસે આવુ જ નામ ધરાવતાં જીણા ઉર્ફ ભગત વિઠ્ઠલભાઇ ગોહેલ (સગર) (ઉ.૪૯-રહે. સંત કબરી રોડ, માર્કેટ યાર્ડ સામે, ભગીરથ સોસાયટી, રોયલ ચોકનો ખુણો)ને જુગારધારના કેસ ૧૨ (અ)માં ફરાર હોઇ પકડીને કાર્યવાહી કરી છે.

તા. ૬/૧/૧૮ના રોજ પોલીસે સંત કબીર રોડ પર ભગીરથ પાન પાસે દરોડો પાડી નવીન કામડીયા, રાજેશ કતીરા, ભરત કડીવાલને વરલીનો જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૨૬૨૬૦ રોકડા, રૂ. ૨૫૦૦ના બે ફોન, આંકડા લખેલી ચિઠ્ઠીઓ, રિક્ષા નં. જીજે૩એઝેડ-૯૦૯૬ રૂ. ૪૦ હજારની, પેશન બાઇક જીજે૩ડીઇ-૮૦૨૭ રૂ. ૨૫ હજારનું મળી કુલ રૂ. ૯૩૭૬૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. એ દરોડો પડ્યો ત્યારે જીણો ઉર્ફ ભગત વિઠ્ઠલ ગોહેલ (સગર) ભાગી ગયો હતો. તેને આ ગુનામાં પકડી લેવાયો છે.

મૃતક બિસુ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં ભગતનું નામ છે એ જ આ ભગત છે કે કેમ? તે અંગે તપાસ થઇ રહી છે. વળી લાશ જ્યાંથી મળી એ સોસાયટીમાં જ જીણો ઉર્ફ ભગત છે. બિસુ તેના ઘરે આવતો જતો હોવાની વાત પણ તેના વતનના યુવાનોએ પોલીસને કરી હોઇ હાલ બિસુના મોત બાબતે પણ પુછતાછ થઇ રહી છે. ચોક્કસ દિશામાં તપાસ આગળ ધપી રહી હોઇ ગમે ત્યારે બિસુના મોત મામલે ધડાકો થવાની શકયતા જણાઇ રહી છે. જો કે પોલીસે હાલ કોઇ સ્પષ્ટતા કરી નથી. જો હત્યાનો ભેદ ઉકેલાશે તો સ્ત્રી પાત્ર નીકળશે તેવી પણ વિસ્તારમાં ચર્ચાઓ જાગી છે. આ દિશામાં પણ તપાસ થઇ રહ્યાનું કહેવાય છે.

(3:31 pm IST)