Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

રાજ્યમાં 8 બેઠકોની પેટાચૂંટણીમાં 857 મતદાન મથકો પર 18.75 લાખ મતદારો મતદાન કરશે

સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થઇ શકશે : 81 હરીફ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમા થશે સીલ: આશરે 900 જેટલાં મતદાન મથકો ખાતેથી લાઇવ વેબકાસ્ટિંગ કરાશે :

અમદાવાદઃ ગુજરાતની આઠ બેઠકો અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા તથા કરજણ બેઠકની  પેટાચૂંટણીની ત્રીજી નવેમ્બરના રોજ મતદાન થશે. સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. 1807 મતદાન મથક સ્થળોમાં સમાવિષ્ટ 3024 મતદાન મથકો પર મતદાન યોજાશે. પ્રવર્તમાન કોવિડ 19ની સંક્રમણની મહામારી અન્વયે ભારતના ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર મતદાન મથક દીઠ મહત્તમ 1500 મતદારોના બદલે આ પેટાચૂંટણીમાં મહત્તમ 1 હજાર મતદારોનું મતદાન રાખવામાં આવ્યું છે.

આ મતદાનમાં 81 હરીફ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમા  સીલ થઇ જશે. 10મી નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સાંજ સુધીમાં મોટાભાગની બેઠકોના પરિણામો જાહેર થઇ જશે. છેલ્લાં 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ હોવાથી બહારગામથી પ્રચાર અર્થે આવેલા રાજકીય કાર્યકર્તાઓએ મતવિભાગ છોડીને જતાં રહેવું પડશે. હવે માત્ર ચૂંટણી પ્રચાર માટે ઘરે ઘરે મુલાકાત દરમિયાન એકસાથે 5 વ્યક્તિ જઇ શકશે. આ સમયગાળા દરમિયાન પક્ષના કાર્યકરો/નેતાઓ પક્ષનું પ્રતિક હોય તો મફલર પહેરી શકશે પરંતુ તેઓ બેનર્સ પ્રદશિત કરી શકશે નહીં.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું છે કે, ભારતના ચૂંટણી પંચના ધોરણો મુજબ પૂરતા પ્રમાણમાં ઇવીએમ,વીવીપેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે. મતદાન મથકો ખાતે આશરે 419 માઇક્રો ઓબ્ઝર્વરોની નિયુક્તિ કરવામાં આવી છે. મતદાનના દિવસે આશરે 900 જેટલાં મતદાન મથકો ખાતેથી લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

ચૂંટણી પર નિરીક્ષણ કરવા માટે 8 જનરલ ઓબ્ઝર્વર તેમ જ 8 ખર્ચ માટેના ઓબ્ઝર્વરની નિમણૂક કરાઇ છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણની કામગીરી માટે 27 ફલાઇંગ સ્કવોડ, 27 સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના કરાઇ છે. ઉપરાંત 18 વિડીયો સર્વેલન્સ ટીમ, 8 વિડીયો વ્યૂઇંગ ટીમ અને 8 હિસાબી ટીમ તથા 8 મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરાઇ છે.

ચૂંટણી ખર્ચ ઉપરાંત નિયંત્રણ ટીમ તેમ જ રાજય આબકારી અને નશાંબંધી વિભાગ દ્વારા  1લી નવેમ્બર સુધીમાં 1 કરોડની કિંમતનો દારુનો જથ્થો જપ્ત કરાયો છે. જયારે ભરૂચ જિલ્લામાંથી 25 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. તેની તપાસ પોલીસ તેમ જ આવકવેરા વિભાગ દ્વારા થઇ રહી છે. ઉમેદવારના ચૂંટણી ખર્ચના રજીસ્ટરની ત્રણવાર ચકાસણી કરાઇ હતી.

પ્રત્યેક ચકાસણી બાદ ઉમેદવારના ખર્ચ રજિસ્ટર મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આ સંબંધે ચૂંટણી અધિકારી દ્વારા પ્રથમ ઇન્સ્પેકશનના અંતે 16 ઉમેદવારોને તથા બીજા ઇન્સ્પેકશનના અંતે 3 ઉમેદવારોને નોટિસ આપવામાં આવી છે.

કોવિડ 19ની માર્ગદર્શિકાનું પાલન કરાવવા આરોગ્ય વિભાગના અધિક નિયામક કક્ષાના અધિકારીને રાજય નોડલ અધિકારી તરીકે અને જિલ્લાઓમાં જિલ્લા નોડલ અધિકારીઓની નિમણૂંક કરાઇ છે. આશરે 34000 થર્મલ ગન, 41 હજાર એન95 માસ્ક તથા 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર રબ્બર હેન્ડ ગ્લોસ, અને મતદારો માટે આશરે 21 લાખ પોલીથીન હેન્ડ ગ્લોવ્સ ( મતદાર દીઠ એક નંગ ) આરોગ્ય વિભાગ દ્રારાચૂંટણી અધિકારીઓને આપવામાં આવ્યા છે.

કોવીડ પોઝીટીવ અને શંકાસ્પદ મતદારો માટે અને પોલીસ પાર્ટી માટે 8 હજાર પી.પી.ઇ. કીટસની વ્યવસ્થા કરાઇ છે. મતદાનના દિવસના એક દિવસ પહેલાં તમામ મતદાન મથકો સેનિટાઇઝ કરાશે. ઉપરાંત મતદાન એજન્ટો, અધિકારીઓ, સુરક્ષા કર્મીઓ અને મતદારોના ઉપયોગ માટે મતદાન કેન્દ્રો પર પુરતા પ્રમાણમાં સેનિટાઇઝર, સાબુ અને પાણી ઉપલબ્ધ રાખવામાં આવશે.

મતદાનના દિવસે મતદાન મથકો પર કોવિડ હેલ્પ ડેસ્ક ગોઠવવામાં આવશે. તાલીમ દરમિયાન, ડીસ્પેચ સમયે, મતદાનના દિવસે, રીસીવીંગ સમયે અને મતગમતરીના દિવસે તબીબી કટોકટીને પહોંચી વળવા માટે મોબાઇલ તબીબી ટીમો તૈયાર રખવામાં આવશે.

જાહેર તથા ખાનગી મિલકતો પરના 22079 ડિફેસમેંટ દૂર કરાયા છે. પેટા ચૂંટણી સંબંધે 9 ફરિયાદો મળી છે. જેનો સમયમર્યાદામાં નિકાલ કરાયો છે. કોવીડ 19 મહામારીને લગતી સૂચનાનો ભંગ કરવા બદલ 4 ફરિયાદ દાખલ કરાઇ છે. માસ્ક નહીં પહેરવા સંબંધે કુલ 30 હજારનો દંડ વસૂલ કર્યો છે. પોર્ટલ પર કુલ 358 ફરિયાદો મળી છે, જે પૈકી 353 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

(11:30 pm IST)