Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

અમદાવાદમાં કોરોનાનો કહેર ભુલાયો : લાલ દરવાજા બજારમાં ખરીદી માટે ગ્રાહકોની ભીડ:સરકારી ગાઈડલાઇનની અવગણના

-દિવાળીની ખરીદી કરવા આવતા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના લિરા ઉડાવ્યા

અમદાવાદ : દિવાળીના તહેવારને લઈને હાલ ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવાઈ છે,કોરોનાના કહેરને ભૂલી લોકો બિન્દાસ્ત શોપીંગ કરતા નજરે ચઢી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આવેલ લાલ દરવાજા ખાતે આવેલ બજારમાં શહેરીજનોનું ઘોડાપુર જોવા મળ્યું છે. સરકારી ગાઇડલાઇનની તમામ લોકો અવગણના કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું.

અમદાવાદમાં લોકો માટે સૌથી સસ્તુ અને સારી ગુણવતા માટે લાલ દરવાજા બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. જો કે, હાલ કોરોના વાયરસની મહામારીના કારણે છેલ્લા કેટલા મહિનાઓથી અહીંના વેપારીઓની હાલત કફોડી જોવા મળી રહી હતી. જો કે, આગામી સમયમાં આવનારા તહેવારના કારણે હાલ બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે, હાલ સરકારે કોરોના વાયરસની મહામારીના કારણે ગાઈડલાઈન પણ જાહેર કરી છે જેમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે.

દિવાળીને લઈ છેલ્લા બે દિવસથી લાલ દરવાજા બજારમાં ખરીદી કરવા માટે આવતા લોકોએ સરકારની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવી દીધા હોય તેવું જોવા મળી રહ્યું છે. દિવાળીની ખરીદી માટે નાના બાળકોને લઈને લોકો ખરીદી કરતા જોવા મળ્યા જેમના મોંઢા પર ન તો માસ્ક હતુ કે ન તો તે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ.લોકો તહેવારોની ખરીદીમાં એટલા વ્યસ્ત જોવા મળી રહ્યા છે કે, કોરોનાનો કહેર પણ ભૂલી ગયા છે.

જો કે, સરકાર દ્વારા રાજયમાં આવનારા તમામ તહેવારો પર કોરોનાના કહેરને લઈ રોક લગાડી દીધી છે. પરતું દિવાળીના તહેવારને લઈ ખરીદી કરવા આવેલા લોકોએ સરકારની ગાઈડલાઈન પણ ભૂલી ગયા છે. તેની સાથો સાથ રાજયમાં ચાલી રહેલા કોરોના વાયરસનો કહેર પણ ભૂલી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. જો કે, મોટા ભાગે ગ્રાહકો તેમની સાથે આવતા નાના બાળકો માસ્ક પહેર્યા વગર જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં હાલમાં કોરોના વાયરસ મહામારીના કેસમાં થોડો ઘટાડો થયો છે પરંતુ જો તહેવારોમાં શહેરીજનો આવી રીતે જ સરકારી ગાઇડલાઇનનાં ધજાગરા ઉડાવશે તો આ મહામારી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવાઇ નહી.

(8:46 pm IST)