Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સતત 11મી વખત યોકોવિચે બનાવી સેમિફાઇનલમાં જગ્યા

નવી દિલ્હી: સર્બિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી જોન મિલમેનને સીધા સેટોમાં ૬-૩, ૬-૪, ૬-૪ થી હરાવીને કારકિર્દીમાં ૧૧મી વખત યુએસ ઓપનની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ક્વાર્ટર ફાઈનલમાં ફેડરર જેવા લેજન્ડરી સુપરસ્ટારને હરાવીને આકર્ષણ જમાવનારો ૫૫મો ક્રમાંકિત મિલમેન ખાસ પ્રભાવ પાડી શક્યો નહતો અને હારી ગયો હતો. હવે સેમિ ફાઈનલમાં યોકોવિચનો મુકાબલો જાપાનના નિશિકોરી સામે થશે. ૨૧મો સીડ ધરાવતા નિશિકોરીએ પાંચ સેટના મેરેથોન મુકાબલામાં ૨-૬, ૬-૪, ૭-૬ (૭-૫), ૪-૬, ૬-૪થી સાતમો સીડ ધરાવતા ક્રોએશિયાના સિલીકને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો.પ્રથમ સેમિ ફાઈનલમાં વર્લ્ડ નંબર વન સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલનો મુકાબલો આર્જેન્ટીનાના ડેલ પોટ્રો સામે થશે. ફ્લશિંગ મેડોવ્સ ખાતે ચાલી રહેલી સિઝનની આખરી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ - યુએસ ઓપન -ની ક્વાર્ટર ફાઈનલમાં ગરમી અને ઉકળાટનો પ્રકોપ જારી રહેવા પામ્યો હતો. યોકોવિચ અને મિલમેન બંને ગરમીને કારણે પરસેવે રેબઝેબ થયેલા જોવા મળ્યા હતા. જોકે બે કલાક અને ૪૯ મિનિટના મુકાબલામાં યોકોવિચ વિજેતા બનીને બહાર આવ્યો હતો. જ્યારે અગાઉ રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં જાપાનના નિશિકોરીએ સાતમો સીડ ધરાવતા સિલીકને ચાર કલાક અને ૮ મિનિટના મુકાબલામાં હરાવ્યો હતો. નિશિકોરી કારકિર્દીમાં ત્રીજી વખત યુએસ ઓપનની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો. 

(5:18 pm IST)