Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ફીફા વર્લ્ડ કપ 2018:ઉરુગ્વેને 2-0થી હરાવી ફ્રાન્સ પહોંચ્યું સેમીફાઇનલમાં

પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ફ્રાન્સના રાફેલ વરાને અને બાદમાં ગ્રીજમૈન ગોલ ફટકાર્યો

મોસ્કોઃ ફીફા વિશ્વ કપ 2018ના પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ઉરુગ્વેને 2-0થી હરાવી ફ્રાન્સ સેમીફાઇનલમાં પહોંચ્યું છે આ મેચમાં રાફેલ વરાને 40મી મિનિટે પોતાની ટીમ માટે ગોલ કર્યો હતો ફ્રાન્સના ડિફેન્ડરને એન્ટોની ગ્રીજમૈનનો પાસ મળ્યો જેને તેણે હેડર લગાવીને ગોલમાં ફેરવી દીધો હતો  ઉરુગ્વેને તેની એક મિનિટ બાદ બરાબરીની તક મળી જ્યારે માર્ટિન કારેસના હેડરને ફ્રાન્સ ગોલકીપર લોરિસે પોતાની જમણી બાજુ છલાંગ લગાવીને બોલને રોકી લીધો હતો . 

 હાફ ટાઇમ સુધી ફ્રાન્સની ટીમ 1-0થી આગળ હતી. ત્યારબાદ ફ્રાન્સ તરફથી ગ્રીજમૈને 61મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને 2-0ની લીડ અપાવી દીધી. ગ્રીજમૈનના શોટ પર ઉરુગ્વેનો ગોલકીપર ચૂકી ગયો અને બોલ તેના હાથમાં લાગીને ગોલપોસ્ટમાં પહોંચી ગઈ. 

 પ્રથમ હાફમાં ફ્રાન્સની ટીમે મજબૂત રમત દેખાડી અને મેચ પર પોતાની પકડ બનાવી રાખી. ફ્રાન્સે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર ડિફેન્સ કરનાર ટીમ ઉરુગ્વે વિરુદ્ધ સતત હુમલા કર્યા. ટૂર્નામેન્ટમાં આ મેચ પહેલા ઉરુગ્વેએ વિપક્ષી ટીમને માત્ર એક ગોલ કરવા દીધો હતો. 

 ઉરુગ્વેએ પોતાના સ્ટાર ખેલાડી એડિનસન કવાનીની ખોટ પડી જે હજુ ઈજામાંથી બહાર આવ્યો નથી. ફ્રાન્સનો મુકાબલો સેમીફાઇનલમાં બ્રાઝીલ અને બેલ્જિયમમાંથી વિજેતા ટીમ સામે થશે. 

(11:48 pm IST)