Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ભારત પાસે સિરીઝ - વિજયની સિકસર ફટકારવાની તક

આજે ઈંગ્લેન્ડ સામે બીજો ટી-૨૦ : રાત્રે ૧૦થી જંગ :૨૦૧૭થી શરૂ કરીને વિરાટ કોહલીની ટીમે સતત પાંચ દ્વિપક્ષી શ્રેણીમાં મેળવ્યો છે વિજય : ટીમમાં કોઈ કાંડાનો સ્પિનર ન હોવાથી અંગ્રેજ બેટ્સમેનોએ બોલીંગ - મશીનથી કરી પ્રેકટીસ

પહેલી મેચમાં શાનદાર જીત મેળવનારી ભારતીય ટીમ આજે કાર્ડીફમાં રમાનારી બીજી ટી-૨૦ મેચમાં સ્પિનરોથી ડરેલા ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ જીતવા માગશે. પહેલી મેચમાં ચાઈનામેન બોલર કુલદીપ યાદવે ૨૪ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તો લોકેશ રાહુલે નોટઆઉટ સેન્ચુરી ફટકારી હતી. ભારતે ઓલરાઉન્ડર રમતનું પ્રદર્શન કરતા યજમાન ઈંગ્લેન્ડને ૮ વિકેટથી હરાવી સીરીઝમાં ૧-૦થી લીડ મેળવી હતી. હવે બીજી ટી-૨૦ જીતીને વિરાટ કોહલી સીરીઝ જીતવા માગશે.

ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ટી-૨૦માં સતત છઠ્ઠી સીરીઝ જીતે એવી શકયતા છે. ન્યુઝીલેન્ડ સામે ડોમેસ્ટીક સિરીઝમાં મળેલી જીત સાથે થઈ હતી. ત્યારબાદ ભારત એક પણ દ્વિપક્ષીય ટી-૨૦ સીરીઝ હાર્યુ નથી. ભારત આ સીરીઝ ૨-૦થી જીતી જાય તો આઈસીસી રેન્કીંગમાં બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયા સાથેનું અંતર ઓછુ થઈ જશે અને ૩-૦થી જીતી જાય તો પાકિસ્તાન બાદ બીજા ક્રમાંક પર આવી જશે.

ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરે ભારતીય ફાસ્ટ બોલરોના આક્રમણનો સરળતાથી સામનો કર્યો હતો. જે ભારત માટે ચિંતાનો વિષય છે. ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમાર બંને ઓલ્ડ ટ્રેફર્ડમાં નિષ્ફળ રહ્યા હતા. એક મેચ બાદ ટીમ મેનેજમેન્ટ એમાં ફેરબદલ કરવાના મૂડમાં નહિં હોય. યુઝવેન્દ્ર ચહલ મોંઘો સાબિત થયો હોવા છતાં તેને ટીમમાં યથાવત રખાશે. વળી આજે રમાનારી મેચમાં વરસાદ વિઘ્ન નાખે એવી શકયતા છે. અહિં ઝરમર વરસાદ પડી રહ્યો છે. સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે ફાસ્ટ બોલર ટોમ કરેન ટીમમાંથી બહાર થઈ ગયો છે. એને બદલે તેના ભાઈ સેમ કરેનને સ્થાન મળ્યુ છે.

(4:01 pm IST)