Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઉના - ગીરગઢડા - કોડીનાર વિસ્તારના અસરગ્રસ્ત ૧૧૨ ગામોમાં વિજ પુરવઠો પુનઃ સ્થાપિત

ગીર સોમનાથ : ઉના-ગીરગઢડા કોડીનાર વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસમાં ખાબકેલા ભારે વરસાદમાં વિજ પુરવઠો અવિરત રાખવા PGVCL નાં કર્મચારીઓએ રાત દિવસ એક કરી દીધા હતા. કાર્યપાલક ઇજનેરશ્રી કોરડીયા અને શ્રી લાખાણીનાં માર્ગદર્શન હેઠળ ટ્રાન્સફોર્મર બદલવા, લાઇનો રીપેરીંગ કરવી, પડેલા પોલ ઉભા કરવા, તુટી ગયેલા પોલ બદલવા આ તમામ કામગીરી PGVCL નાં કર્મયોગીઓએ અવિરત કરી આ ત્રણ તાલુકાની પ.૭૩ લાખ જેટલી વસ્તીને વિજ પુરવઠો પુરો પાડવા તનતોડ મહેનત કરી હતી.

વિજ પુરવઠો જાય એટલે મોબાઇલ ચાર્જીંગ અટકે, મોબાઇલ અટકે એટલે દુનીયા સાથે સંપર્ક અટકે અને સંપર્ક વિહોણા લોકોની હાલત તો માથે પડે તેમને જ ખ્યાલ આવે. પરંતુ PGVCL નાં એન્જીનીયરોની પ્રી-મોન્સુન કામગીરી, આગોતરૂ આયોજન, ટીમ વર્ક અને ખાસ તો લાઇનમેન, લાઇન સ્ટાફ અને PGVCL નાં નાના કર્મચારીઓ, હેલ્પરોની જીવના જોખમે કામ કરવાની કાર્યક્ષમતાએ વીજ પુરવઠો અવિરત મળતો રહ્યો હતો.

ગીરગઢડાનાં કણેરી અને આકોલાલી વિજ પુરવઠામાં સૌથી વધુ અસરગ્રસ્ત થયા હતા. સબ સ્ટેશન બળી જવા ઉપરાંત ૧૫ જેટલા પોલ પડી જતા વરસતા વરસાદે પણ PGVCL નાં કર્મયોગીઓએ પોતાની ફરજ બજાવી હતી. ઉના, કોડીનાર અને ગીરગઢડાનાં ૨૬૭ ગામ પૈકી ૧૧૨ ગામ વધુ અસરગ્રસ્ત થયા હતા. જેમાં ડેપ્યુટી ઇજનેર તથા જુનીયર ઇજનેરોની આગેવાની હેઠળ કુલ ૩૬ ટીમ બનાવી ૨૪ ટીમ દીવસે અને ૧૨ ટીમ રાત્રે ફરજ બજાવી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરી હતી.ઉનાનાં કાર્યપાલક ઇજનેરશ્રી કોરડીયાનાં જણાવ્યાનુસાર વિજ પુરવઠો સતત કાર્યરત રાખવા કલેકટરની પ્રેરણા-સાથ અને સહકારે મહત્વનો ફાળો આપ્યો. PGVCL નાં કર્મચારીઓ અવિરત વિજ પુરવઠો આપવા સતત તનતોડ મહેનત કરતા હોય અમારી ફરજ છે ત્યારે અમને ગ્રામ્ય વિસ્તારોનાં લોકો સરપંચો નો પણ ખુબ સહયોગ રહ્યો હતો. કલેકટર  કે સરપંચના ધન્યવાદનાં ફોનનાં મારાએ અમારા કર્મયોગીઓમાં ઓર તાકાત ભરી અને એ તાકાતથી અમે વિજ પુરવઠો સતત ભારે વરસાદમાં કાર્યરત રાખી શકયા છીએ. જેનો અમને પણ આનંદ અને સંતોષ છે, તેમશ્રી કોરડીયાએ વધુમાં ઉમેર્યું હતું.(૨૧.૨૧)

સંકલન : અર્જુન પરમાર, માહિતી બ્યુરો, ગીર-સોમનાથ

(11:51 am IST)